નવી દિલ્હી: દેશભરમાં 3 મે 2021ના રોજ સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓ આયોજિત થવાની છે. ભારતમાં હાલ કોરોના વાયરસનો ભયંકર પ્રકોપ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં પરીક્ષાઓ આયોજિત કરવા અંગે વિદ્યાર્થીઓમાં ખુબ રોષ છે. એક લાખથી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી સાઈન કરીને પરીક્ષાઓ રદ કરવાની માગણી કરી છે. પીએમ નરેન્દ્ર મોદી આજે શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક સાથે આ અંગે બેઠક પણ કરી રહ્યા છે. આ બધા વચ્ચે મોટા સમચાર આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજમેર પહોંચ્યા સીબીએસઈ બોર્ડ પેપર્સ
અમારી સહયોગી વેબસાઈટ DNA માં છપાયેલા એક રિપોર્ટ મુજબ સીબીએસઈ બોર્ડ 10મા ધોરણના ક્વેશ્ચન પેપર (પ્રશ્નપત્રો) અને આન્સરશીટ (જવાબવહીઓ) અજમેરના એક બેન્ક લોકરમાં રાખી દેવાયા છે. આવામાં એકવાર ફરીથી સમજમાં નથી આવતું કે બોર્ડે પરીક્ષાઓને લઈને આ કયો નિર્ણય લીધો છે. સીબીએસઈ અજમેર ક્ષેત્રમાં રાજસ્થાન, ગુજરાત, અને દાદર નાગર હવેલી સામેલ છે. 


પીએમ મોદીની શિક્ષણ મંત્રી સાથે મુલાકાત
આજે પ્રધાનમંત્રી દેશના શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક સાથે બેઠક કરી રહ્યા છે. આ મુલાકાત બાદ ખબર પડશે કે પરીક્ષાઓને લઈને આગળ શું યોજના ઘડાઈ રહી છે. 


પરીક્ષાઓ રદ કરવાની માગણી
અત્રે જણાવવાનું કે દેશમાં જે ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા અનેક રાજ્યોના મુખ્યમંત્રી, નેતાઓએ પરીક્ષા રદ કરવાની અપીલ કરી હતી. દેશમાં લગભગ 30 લાખ બાળકો સીબીએસઈની પરીક્ષા આપવાના છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ગઈ કાલે પ્રેસ કોન્ફરન્સમાં પરીક્ષા હાલ ટાળવાની માગણી કરી હતી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ પરીક્ષાઓ રદ કરવાની માગણી કરી ચૂક્યા છે. 


છેલ્લા 24 કલાકમાં 1,84,372 નવા દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,84,372 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,38,73,825 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,23,36,036 લોકો રિકવર થયા છે અને 13,65,704 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 1027 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,72,085 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 11,11,79,578 લોકોને રસી આપવામાં આવી છે.