CBSE Class 10th Results: CBSE બોર્ડ ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક
CBSE બોર્ડે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દીધું છે. તમે આ રીતે તમારૂ પરિણામ ચેક કરી શકો છો.
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે ધોરણ 10ના પરિણામની (CBSE Class 10th Results) જાહેરાત કરી છે. કોરોના વાયરસને કારણે ધોરણ 10ની પરીક્ષા આ વર્ષે રદ્દ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને મૂલ્યાંકન પદ્ધતિના આધારે માર્ક આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ cbseresults.nic.in કે cbse.gov.in પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે. આ વર્ષે 99.04 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. પાછલા વર્ષે પરિણામ 91.46 અને વર્ષ 2019માં 91.10 ટકા રહ્યું હતું.
આ રીતે ચેક કરો તમારૂ પરિણામ
- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in પર જવું પડશે.
- ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રિઝલ્ટ લિંક પર ક્લિક કરવું પડશે.
- પર્સનલ ડિટેલ્સ એન્ટર કરી સબમિટ કરવું પડશે.
- ધોરણ 10નું પરિણામ તમારી સામે હશે.
- 10ના પરિણામની કોપી ડાઉનલોડ કરી તમારી પાસે રાખી શકો છો.
અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓને 90 ટકાથી વધુ માર્ક
આ વખતે સીબીએસઈ ધોરણ 10માં દેશભરમાંથી કુલ 2,58,786 વિદ્યાર્થીઓને 90 ટકાથી વધુ માર્ક મળ્યા છે. તેમાંથી 2,00,962 વિદ્યાર્થીઓને 90થી 95 ટકા વચ્ચે માર્ક મળ્યા છે. બાકી 57,824 વિદ્યાર્થીઓને 95 ટકાથી વધુ માર્ક મળ્યા છે.
સીબીએસઈ બોર્ડે 16639 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું નથી. દિલ્હી વેસ્ટ રીઝન 98.74 ટકા સાથે 14માં અને દિલ્હી ઈસ્ટ 97.80 ટકાની સાથે 15માં સ્થાને રહ્યું છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ 99.27 ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ 98.89 ટકા રહ્યુ. એટલે કે વિદ્યાર્થિનીઓનું પ્રદર્શન વિદ્યાર્થીઓ કરતા 0.35 ટકા સારૂ રહ્યું છે.
ન ટોપર, ન મેરિટ લિસ્ટ
આ વર્ષે કોરોનાને કારણે પરીક્ષા રદ્દ થયા બાદ આંતરિક મૂલ્યાંકન અને સીબીએસઈ દ્વારા તૈયાર રિઝલ્ટ ફોર્મૂલાના આધાર પર ધોરણ 10ના વિદ્યાર્થીઓને માર્ક આપવામાં આવ્યા છે. તેથી આ વખતે ન મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે કે સીબીએસઈ બોર્ડ ધોરણ 10ના ટોપરની (CBSE 10th topper 2021) જાહેરાત કરશે.
આ રીતે થયું મૂલ્યાંકન
તમને જણાવી દઈએ કે કોરોના સંક્રમણને કારણે ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. તેવામાં વિદ્યાર્થીઓને વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિના આધારે માર્ક આપવામાં આવ્યા છે. તે માટે બોર્ડ કોઈ મેરિટ યાદી જાહેર કરશે નહીં.
કેવું રહ્યું હતું ધોરણ 12નું પરિણામ
CBSE એ શુક્રવારે ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું હતું. આ વર્ષે CBSE નું પરિણામ 99.37 ટકા રહ્યું. યુવતીઓએ યુવકો કરતા સારૂ પ્રદર્શન કર્યું છે. યુવતીઓનું પરિણામ 99.67 ટકા તો યુવકોનું પરિણામ 99.13 ટકા રહ્યું હતું. મહત્વનું છે કે આ વર્ષે 70 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ 95 ટકાથી વધુ માર્ક પ્રાપ્ત કર્યા છે. આશરે દોઢ લાખ વિદ્યાર્થીઓને 90 ટકાથી વધુ માર્ક પ્રાપ્ત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube