CBSE ધોરણ 10ની ગણિત અને ધોરણ 12ની ઈકોનોમિક્સની પરીક્ષા ફરીથી લેવાશે
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ)ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યાં છે. ધોરણ 10નું ગણિત અને 12માં ધોરણની ઈકોનોમિક્સની પરીક્ષા ફરીથી લેવાશે.
નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ)ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યાં છે. ધોરણ 10નું ગણિત અને 12માં ધોરણની ઈકોનોમિક્સની પરીક્ષા ફરીથી લેવાશે. જો કે હજુ સુધી એ જાણકારી સામે નથી આવી કે આ પરીક્ષા ક્યારે થશે. અત્રે જણાવવાનું કે આ વર્ષે સીબીએસઈ બોર્ડ પરીક્ષાના પેપર લીક થયા હોવાની ચર્ચાઓ હતી. પોલીસ કેટલાક કેસોમાં તપાસ પણ કરી રહી છે. બોર્ડે આ પગલું પરીક્ષાને લઈને આવેલી ફરિયાદોને પર કાર્યવાહી કરતા લીધુ છે.
સીબીએસઈએ આ બંને પેપરોની પરીક્ષા ફરીથી લેવાશે તે અંગેની પુષ્ટિ કરી લીધી છે. સીબીએસઈએ જણાવ્યું કે પરીક્ષાની તારીખોની જાહેરાત એક અઠવાડિયાની અંદર વેબસાઈટ પર કરી દેવામાં આવશે. અત્રે જણાવવાનું કે 12માં ધોરણની ઈકોનોમિક્સની પરીક્ષા 27 માર્ચ અને 10માં ધોરણની ગણીતની પરીક્ષા 28 માર્ચે થઈ હતી.
આ વર્ષે 5 માર્ચથી સીબીએસઈની દસમા ધોરણની અને 12માં ધોરણની પરીક્ષાઓ શરૂ થઈ હતી. આ પરીક્ષાઓમાં દેશભરમાંથી 28,24,734 વિદ્યાર્થીઓ સામેલ થયા હતાં. સીબીએસઈના જણાવ્યાં મુજબ આ વર્ષે દસમા ધોરણની પરીક્ષામાં 16,38,428 અને બારમા ધોરણની પરીક્ષામાં 11,86,306 વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા હતાં.
સીબીએસઈ ધોરણ 12નું એકાઉન્ટનું પેપર લીક
15 માર્ચના રોજ સીબીએસઈના ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું એકાઉન્ટનું પેપર લીક થયું હોવાની વાત કરવામાં આવી હતી. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાએ આ સંબંધે શિક્ષા વિભાગ સાથે વાત કરી હતી. જો કે સીબીએસઈએ પેપર લીકની કોઈ પણ ઘટનાનો ઈન્કાર કર્યો હતો. સીબીએસઈએ કહ્યું હતું કે પેપર લીક થવાની અફવા સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવી. જેમણે આમ કર્યું છે કે તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ બોર્ડે આશ્વાસન આપ્યું કે એકાઉન્ટની પરીક્ષા ફરીથી નહીં લેવાય.