CCDના માલિકના મૃત્યુ પછી વચગાળાના ચેરમેન તરીકે એસ.વી. રંગનાથની નિમણૂક
કેફે કોફી ડેના માલિક વી.જી. સિદ્ધાર્થનો બુધવારે મેંગલુરુ નજીકની નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, તેઓ બે દિવસ પહેલા રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા
નવી દિલ્હીઃ દેશની પ્રખ્યાત કોફી ચેન કેફે કોફી ડે દ્વારા બુધવારે વચગાળાના ચેરમેન તરીકે એસ.વી. રંગનાથની નિમણૂક કરાઈ છે. નીતીન બાગમાનેને કંપનીના સીઈઓ બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે, સીસીડીના માલિક વી.જી. સિદ્ધાર્થ છેલ્લા બે દિવસથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા અને બુધવારે મેંગલુરુ નજીકની નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
બોર્ડ ઓફ સિક્યોરિટી એક્સચેન્જને લખેલા પત્રમાં સીસીડીએ જણાવ્યું છે કે, "શ્રી વી.જી. સિદ્ધાર્થના અચાનક અવસાનથી બોર્ડ ખેદ વ્યક્ત કરે છે. તેમણે પોતાની ઊર્જા, વિઝન અને વ્યવસાયિક કુનેહ દ્વારા એક હાથે આ કંપની ઊભી કરી હતી. બોર્ડ વી.જી. સિદ્ધાર્થના પરિવારના દુઃખમાં ભાગીદાર છે અને પરિવારને સંપૂર્ણ ટેકો આપવા માટે સર્વસંમતી વ્યક્ત કરે છે. બોર્ડને કંપનીની મેનેજમેન્ટ ટીમમાં સંપૂર્ણ વિશ્વાસ છે."
પત્રમાં વધુમાં લખ્યું છે કે, "બોર્ડે શ્રીમતી માલવિકે હેગડે દ્વારા તેમનો ટેકો આપવાનો જે સંદેશો આપવામાં આવ્યો છે તેની નોંધ લીધી છે. શ્રીમતી હેગડેએ કંપનીની વ્યવસાયી ટીમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કર્મચારીઓ અને શેરધારકોનો વિસ્વાસ કંપનીમાં ટકી રહે તેમાં બધાએ સંયુક્ત રીતે પ્રયાસો કરવાના રહેશે."
સીસીડીના માલિક વીજી સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો, બે દિવસથી ગુમ હતા
બોર્ડે જણાવ્યું કે, કંપની શેરધારકો, રોકાણકારો, ધિરાણકર્તાઓ, કર્મચારીઓ અને ગ્રાહકો પ્રત્યે સંપૂર્ણપણે વફાદાર રહેશે અને તેમના ભલામાં નિર્ણય લેશે. આ સાથે જ કંપનીની બોર્ડ મીટિંગમાં રંગનાથને વચગાળાના ચેરમેન તરીકે નિમવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાગમાને અને આર. રામ મોહનને સીઈઓ બનાવાયા હતા. આ સાથે જ બોર્ડની મીટિંગમાં કંપનીની એક વહીવટી સમિતિની પણ રચના કરવામાં આવી છે.
કંપનીએ બીએસઈને એ પણ જાણ કરી છે કે, કંપનીના માલિક દ્વારા શેરધારકોને સંબોધીને જે પત્ર લખવામાં આવ્યો છે તેની સાચી ખરાઈ થઈ શકી નથી. કંપની આ અંગે તપાસ કરશે. આથી સિદ્ધાર્થના પત્રને હાલ આધિકારીક ગણવો નહીં.
જૂઓ LIVE TV...