ભારતે LTTE પરનો પ્રતિબંધ વધુ 5 વર્ષ માટે લંબાવ્યોઃ ગૃહ મંત્રાલય
ગૃહમંત્રાલયે મંગળવારે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું કે, ગેરકાનુની ગતિવિધિ (પ્રતિબંધ) અધિનિયમ-1967 અંતર્ગત આ પ્રતિબંધ લંબાવાયો છે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા શ્રીલંકાના આતંકવાદી સંગઠન 'લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ' પર લગાવાયેલો પ્રતિબંધ વધુ 5 વર્ષ માટે લંબાવ્યો છે. ગૃહમંત્રાલયે મંગળવારે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું કે, ગેરકાનુની ગતિવિધિ (પ્રતિબંધ) અધિનિયમ-1967 અંતર્ગત આ પ્રતિબંધ લંબાવાયો છે.
આ જાહેરનામામાં જણાવાયું છે કે, LTTE તરફથી હજુ પણ હિંસા અને વિધ્વંસક ગતિવિધિઓ ચાલુ છે, જે ભારતની એક્તા અને અખંડતા માટે નુકસાનકારક છે. તેમાં જણાવાયું છે કે, આ સંગઠનનું વલણ ભારત વિરોધી છે અને આ બાબત ભારતીય નાગરિકોની સુરક્ષા માટે ગંભીર ખતરો છે.
ઉલ્લેખનીય છે કે, LTTE એટલે કે લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમની સ્થાપના 1976માં વી. પ્રભાકરણે કરી હતી. જે તેનો વડો હતો અને તેણે શ્રીલંકામાં સ્વતંત્ર તમિલ રાજ્યની સ્થાપના માટે આ સંગઠન ઊભું કર્યું હતું. શ્રીલંકામાં લગભગ 20 વર્ષ સુધી તેણે સ્થાનિક સરકાર સામે ગૃહયુદ્ધ જેવો માહોલ પેદા કર્યો હતો. આખરે એક લડાઈમાં તે માર્યો ગયો હતો. તેમ છતાં હજુ પણ તેનું સંગઠન સક્રિય છે.