રાફેલ સોદોઃ મંજૂરી વગર સંવેદનશીલ દસ્તાવેજોની ફોટોકોપી કરાઈ- કેન્દ્રનું સુપ્રીમમાં સોગંદનામું
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, રાફેલ સોદા સાથે સંકળાયેલા દસ્તાવેજોની અનધિકૃત રીતે ફોટોકોપી કરીને કરાયેલી ચોરીએ દેશની સુરક્ષા, સંપ્રભુતા પર અસર કરી છે
નવી દિલ્હીઃ રાફેલ સોદા અંગે કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં નવું સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, સરકારની મંજૂરી વગર સંવેદનશીલ દસ્તાવેજોની ફોટોકોપી કરવામાં આવી છે. આ દસ્તાવેજોની અનિધકૃત ફોટોકોપી દ્વારા કરવામાં આવેલી ચોરીએ દેશની સુરક્ષા, સંપ્રભુતા અને અન્ય દેશો સાતેના મૈત્રીપૂર્ણ સંબંધો પર ખરાબ અસર કરી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, 'પુનઃવિચાર અરજી સાથે સંલગ્ન દસ્તાવેજ એરક્રાફ્ટની યુદ્ધ ક્ષમતા સાથે જોડાયેલા છે. અરજીકર્તાઓએ અત્યંત ગુપ્ત માહિતીને લીક કરી છે.'
સંરક્ષણ મંત્રાલય તરફથી દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં વધુ જણાવાયું છે કે, "રાફેલ કેસમાં દાખલ કરવામાં આવેલી પુનઃવિચાર અરજી જાહેર રીતે સૌને ઉપલબ્ધ છે. આપણાં હરીફ અથવા દુશ્મનો સુધી પણ તેની પહોંચ છે. આ બાબત રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં નાખનારી છે."
વાત એમ છે કે, કેન્દ્ર સરકાર તરફથી બુધવારે ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ સોગંદનામું દાખલ કરવાની મંજૂરી માગવામાં આવીહતી. જેના અંગે કોર્ટે સોગંદનામું દાખલ કરવાની મંજૂરી આપી હતી. ગુરુવાર (14 માર્ચ)ના રોજ હવે આ કેસમાં બપોરે 3.00 કલાકે વધુ સુનાવણી હાથ ધરાશે.
રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદનઃ વાજપેયીની ખોટી નીતિઓને કારણે કાશ્મિરમાં સ્થિતી ખરાબ બની
ઉલ્લેખનીય છે કે, અત્યારે સુપ્રીમ કોર્ટમાં રાફેલ સોદાની સામે દાખલ કરવામાં આવેલી પુનઃવિચાર અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. છેલ્લી સુનાવણી દરમિયાન અરજીકર્તા પ્રશાંત ભૂષણે સોદા અંગે સંરક્ષણ મંત્રાલયની એ ફાઈલ નોટિંગ રજૂ કરી હતી, જેને હિન્દુ અખબારે પ્રકાશિત કરી હતી. જોકે, એટોર્ની જનરલે તેના પર વાંધો ઉટાવ્યો હતો અને જણાવ્યું હતું કે, આ બાબત ચોરી થયેલી છે અને તપાસ ચાલી રહી છે.