મહિલાઓને પણ મળે વ્યાભિચારની સજા? કેન્દ્રએ SCમાં વ્યક્ત કરી અસહમતિ
કાયદાના આ પ્રકારને લૈંગિક ભેદ પર આધારિત ગણાવતા એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ વ્યાભિચારના મામલામાં કાયદો તે કહે છે કે કોઈ વ્યક્તિ કોઈ વિવાહિત મહિલા સાથે શારીરિક સંબંધ બનાવે છે તો તેને પાંચ વર્ષની સજા કે દંડ અથવા બંન્નેની સજા થઈ શકે છે. પરંતુ આ વાત મહિલાઓ પર લાગુ પડતી નથી. પરંતુ આ વાત મહિલાઓ પર લાગૂ પડતી નથી. એટલે કે વ્યાભિચારમાં લિપ્ત મહિલા પર કોઈપણ પ્રકારની સજા કે દંડની જોગવાઇ કાયદામાં નથી.
કાયદાના આ પ્રકારને લૈંગિક ભેદ પર આધારિત ગણાવતા એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. કેન્દ્ર સરકારે આ મામલે પોતાનું વલણ કોર્ટમાં રાખતા અદાલતને કહ્યું કે, તે હાલના કાયદામાં કોઈપણ ફેરફારના પક્ષમાં નથી. કારણ કે આ મહિલાઓના હિતમાં નહીં હોય અને તેનાથી પરિવાર જેવી સામાજિક સંસ્થાઓ નબડી પડી શકે છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, વ્યાભિચાર કાયદાના નામથી ચર્ચિત આઈપીસીની કલમ 497ને કમજોર કરવાની અરજીને રદ્દ કરી દે કારણ કે આ કલમ લગ્ન સંસ્થાની સુરક્ષા કરે છે અને મહિલાઓને સંરક્ષણ આપે છે. તેની સાથે છેડછાડ કરવી ભારતીય સંસ્કૃતિ માટે હિતકારક સાબિત થશે નહીં.
ઉલ્લેખનિય છે કે અરજીકર્તાઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહેવામાં આવ્યું હતું કે, આઈપીસીની કલમ-497 હેઠળ વ્યાભિચારના મામલામાં પુરૂષોને દોષિ થવા પર સજાની જોગવાઇ છે જ્યારે મહિલાઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેવામાં આ કાયદો ભેદભાવપૂર્ણ છે તેથી આ કાયદાને ગેરબંધારણિય જાહેર કરવામાં આવે.
જાન્યુઆરીમાં આ મામલાની સુનાવણીને પાંચ જજોની બંધારણીય પીઠને મોકલી દેવામાં આવી હતી.
મહિલા-પુરુષ બરાબર તો કાયદામાં ભેદ કેમ?
અરજી પર વિચાર કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, જ્યારે બંધારણ મહિલા અને પુરૂષ બંન્નેને સમાન માને છે તો ક્રિમિનલ કેસમાં અલગ કેમ? કોર્ટે કહ્યું કે જીવનની દરેક રીતમાં મહિલાઓને સમાન માનવામાં આવી છે, તો આ મામલામાં અલગથી વર્તન કેમ? જ્યારે ગુનો મહિલા અને પુરુષ બંન્નેની સહમતિથી કરવામાં આવ્યો તો મહિલાને સંરક્ષણ કેમ આપવામાં આવ્યું?
કેન્દ્રએ પોતાના જવાબમાં જસ્ટિસ મલિમથ કમિટીના રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો છે. કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, આ કલમનો ઉદ્દેશ્ય લગ્નની પવિત્રતાને રક્ષણ આપવાનો છે. વ્યાભિચારની સજા લુપ્ત થવાથી લગ્ન બંધનની પવિત્રતા કમજોર થઈ જશે અને તેના પરિણામસ્વરૂપ લગ્ન બંધનને માનવામાં બેદરકારી થશે.
કોર્ટે કહ્યું કે, સામાજિક પ્રગતિ, લૈંગિક સમાનતા, લૈંગિક સંવેદનશીલતાને જોતા પહેલાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ફરીથી વિચાર કરવો પડશે. કોર્ટે તે પણ કહ્યું કે, 1954માં ચાર જજોની બેન્ચ અને 1985ના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી તે સહમત નથી, જેમાં કહેવામાં આવ્યુ કે, આઈપીસીની કલમ 497 મહિલાઓ સાથે ભેદભાવ કરતી નથી.