Chandigarh Mayor Election: સુપ્રીમ કોર્ટમાં રિટર્નિંગ ઓફિસરે સ્વીકાર્યું, 8 મતપત્રો પર લગાવ્યું હતું ક્રોસનું નિશાન
ચંડીગઢ મેયર ચૂંટણીમાં ગડબડી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની સામે હાજર થયેલા રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહે કબૂલ્યું કે તેમણે બેલેટ પેપર પર ક્રોસના નિશાન કર્યા હતા.
ચંડીગઢ મેયર ચૂંટણીમાં ગડબડી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની સામે હાજર થયેલા રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહે કબૂલ્યું કે તેમણે બેલેટ પેપર પર ક્રોસના નિશાન કર્યા હતા. તેમણે 8 મતપત્રો પર ક્રોસના નિશાન કર્યા હતા. કોર્ટે કહ્યું કે આ બદલ તો અધિકારી વિરુદ્ધ કેસ થવો જોઈએ. આ મામલે કાલે ફરીથી સુનાવણી થશે.
કોર્ટે જ્યારે પૂછ્યું કે તમે આમ કેમ કર્યું તો અનિલ મસીહે કહ્યું કે આમ આદમી પાર્ટીના મેયર ઉમેદવાર અને કોર્પોરેટરો હંગામો કરી રહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે AAP ઉમેદવારો મતપત્રો છીનવવાની કોશિશ કરી રહ્યા હતા. જેના કારણે તેઓ મતગણતરી કેન્દ્ર પર લાગેલા સીસીટીવી કેમેરા તરફ વારંવાર જોઈ રહ્યા હતા. ત્યારબાદ તેમણે મતપત્રો પર નિશાન કરવાની કોશિશ કરી.
સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ ચૂંટણી સંદર્ભે તમામ રેકોર્ડ સુરક્ષિત રીતે મેળવવા એક ન્યાયિક અધિકારી નિયુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ મામલે આવતી કાલે સુનાવણી થશે. કોર્ટે એમ પણ કહ્યું કે જે બેલેટ પેપેર રજિસ્ટ્રાર પાસે છે તેમને સુરક્ષિત રીતે જ્યુડિશિયલ ઓફિસર સારે 10.30 વાગ્યા સુધીમાં અમારી પાસે લઈને આવે.
ચીફ જસ્ટિસ ડીવાયએસ ચંદ્રચૂડની બેન્ચે મેયરની ચૂંટણી કરાવનારા ચૂંટણી અધિકારી અનિલ મસીહને ફટકાર લગાવતા કહ્યું કે એ સ્પષ્ટ છે કે તેમણે મતપત્રોને વિકૃત કર્યા છે. આથી તેમના પર કેસ થવો જોઈએ. આ અગાઉ કોર્ટે તેને હત્યા સમાન ગણાવીને લોકતંત્રની મજાક ગણાવી હતી. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા, અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે. આ મામલે કાલે ફરીથી સુનાવણી થશે.
અત્રે જણાવવાનું કે ભાજપે 30 જાન્યુઆરીએ ચંડીગઢ મેયર ચૂંટણીમાં કોંગ્રેસ-આપ ગઠબંધન વિરુદ્ધ જીત મેળવી. મેયર પદ માટે ભાજપના મનોજ સોનકરે 16 અને આપના કુલદીપ કુમારને 12 મત મળ્યા હતા. રિટર્નિંગ ઓફિસરે આપ-કોંગ્રેસના કોર્પોરેટરોના 8 મત અયોગ્ય જાહેર કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube