મિશન ચંદ્રયાન 3ના કારણે ઈતિહાસમાં પહેલીવાર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ડગ માંડ્યા બાદ ત્યાંથી સતત નવી નવી જાણકારીઓ અને તસવીરો સામે આવી રહ્યા છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ ચંદ્રમાની સપાટી પર તાપમાન ભિન્નતાનો એક ગ્રાફ રવિવારે બહાર  પાડ્યો જેનાથી ચોંકાવનારી જાણકારી સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંતરિક્ષ એજન્સીના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે ચંદ્રમા પર નોંધાયેલા ઉચ્ચ તાપમાન અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સીના જણાવ્યાં મુજબ ચંદ્ર સરફેસ થર્મો ફિઝિકલ એક્સપરિમેન્ટ (ચેસ્ટ)એ ચંદ્રમાની સપાટીના તાપમાનને સમજાવવા માટે દક્ષિણ ધ્રુવની આજુબાજુ ચંદ્રમાની ઉપરની માટીનું તાપમાન માપ્યું. 


ઈસરોએ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં લખ્યું કે અહીં વિક્રમ લેન્ડર પર ચેસ્ટ પેલોડનું પહેલું અવલોકન છે. ચંદ્રમાની સપાટી પર તાપમાનના વ્યવહારને સમજવા માટે, ચેસ્ટે ધ્રુવની ચારેબાજુ ચંદ્રમાની ઉપરની માટીના ટેમ્પરેચર પ્રોફાઈલને માપ્યું. ગ્રાફીક વિશે ઈસરોના વૈજ્ઞાનિક બીએચએમ દારૂકેશાએ પીટીઆઈને જણાવ્યું કે 'અમે બધા માનતા હતા કે સપાટી પર તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડથી 30 ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુ હોઈ શકે છે. પરંતુ તે 70 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. આ આશ્ચર્યજનક રીતે અમારી અપેક્ષા કરતા વધુ છે.'


અંતરિક્ષ એજન્સીએ કહ્યું કે પેલોડમાં તાપમાનને માપવાનું એક યંત્ર લાગેલું છે જે સપાટીની નીચે 10 સેન્ટીમીટરની ઊંડાઈ સુધી પહોંચવામાં સક્ષમ છે. 


ઈસરોએ કહ્યું કે તપાસમાં 10 અલગ અલગ તાપમાન સેન્સર લાગેલા છે. જે ગ્રાફ ઈસરોએ નાખ્યા છે તે વિવિધ ઊંડાઈ પર ચંદ્ર સપાટી/નિકટ સપાટીના તાપમાનની વિવિધતા દર્શાવે છે. ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ માટે આ પહેલો એવો ડોક્યુમેન્ટ છે જેનો સ્ટડી ચાલુ છે. વૈજ્ઞાનિક દારૂકેશાએ કહ્યું કે 'જ્યારે આપણે પૃથ્વીની અંદર બે થી ત્રણ સેન્ટીમીટર જઈએ તો આપણને મુશ્કેલથી બે થી ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ વિવિધતા જોવા મળે છે. જ્યારે ત્યાં (ચંદ્રમા) તે લગભગ 50 ડિગ્રી સેન્ટીગ્રેડ ભિન્નતા છે, આ રસપ્રદ છે. '


50 ડિગ્રી સુધીની ભિન્નતા
વૈજ્ઞાનિક દારૂકેશાએ જણાવ્યું કે જ્યારે આપણ પૃથ્વીથી લગબગ બે થી ત્રણ સેન્ટીમીટર અંદર જઈએ, તો આપણને માંડ બે થી ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ ભિન્તા જોવા મળે છે. જ્યારે ત્યાં (ચંદ્રમા પર) તે લગભગ 50 ડિગ્રી સેન્ટીગ્રેડ ભિન્નતા છે. ચંદ્રમાની સપાટીથી નીચે તાપમાન શૂન્યથી 10 ડિગ્રી સેલ્સિયસ સુધી જતું રહે છે. 



ઈસરોએ કહ્યું કે ચેસ્ટ પેલોડને પીઆરએલ, અમદાવાદના સહયોગથી ઈસરોના વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર (વીએસએસસી)ની અંતરિક્ષ ભૌતિક પ્રયોગશાળા (એસપીએલ)ના નેતૃત્વવાળી એક ટીમે વિક્સિત કર્યો હતો. ભારતે 23 ઓગસ્ટના રોજ ઈસરોના મહત્વકાંક્ષી ચંદ્રમા મિશનના ચંદ્રયાન 3ના ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરતા જ ઈતિહાસ રચી નાખ્યો. આ ઉપલબ્ધિ સાથે જ તે આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો.  જ્યારે દક્ષણ ધ્રુવ પર લેન્ડિંગ કરનારો પહેલો દેશ છે. 


લેન્ડિંગ પોઈન્ટનું નામ શિવશક્તિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા હતા. બેંગલુરુમાં ઈસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં વૈજ્ઞાનિકોને કરેલા સંબોધન દરમિયાન મોટી જાહેરાત કરી. જે સ્થળ પર ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડરે સોફ્ટ લેન્ડિંગ કર્યું તે પોઈન્ટ વહે શિવ શક્તિના નામથી ઓળખાશે. પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રમાના જે સ્થળ પર ચંદ્રયાન 2એ પોતાના પદચિન્હ છોડ્યા છે તે પોઈન્ટ હવે તિરંગા પોઈન્ટ તરીકે ઓળખાશે. આ સાથે જ વધુ એક મહત્વની જાહેરાત કરતા તેમણે કહ્યું કે 23 ઓગસ્ટના રોજ જ્યારે ભારતે ચંદ્રમા પર તિરંગો લહેરાવ્યો તે દિવસ હવે National Space Day તરીકે ઉજવાશે. 


ધરતીના તાપમાન સાથે સરખામણી
જે પ્રકારે ચંદ્રની સપાટી પર  તાપમાનમાં વિવિધતા જોવા મળી છે તે ચોંકાવનારી છે. ચંદ્રમાની સપાટીથી માઈનસ 80 મિલિમીટર નીચે જતા તાપમાન માઈનસ 10 ડિગ્રી થઈ જાય છે. તો સપાટીના 20 મિલિમીટર ઉપર આવતા તાપમાન 60 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ રીતે જેમ જેમ ઉપર વધો  તેમ તેમ તાપમાન વધતું જાય છે. આ વાત પ્રજ્ઞાન રોવરના યંત્રથી સામે આવી છે. આ તાપમાનની જો ભારતના શહેરો સાથે સરખામણી કરીએ તો સમજી લો કે તે બમણું છે. જે રીતે આજકાલ દિલ્હી-એનસીઆરનું તાપમાન સરેરાશ 32-34 ડિગ્રી વચ્ચે છે તે જ રીતે બેંગલુરુનું તાપમાન 30 ડિગ્રી છે. જ્યારે મુંબઈનું તાપમાન 29-30 ડિગ્રીની આજુબાજુ છે. એટલે કે ચંદ્રથી આ શહેરોના તાપમાનની સરખામણી કરીએ તો તેની સપાટીના તાપમાનથી બમણા કરતા પણ વધુ છે. 


14 દિવસ બાદ માઈનસ 100 ડિગ્રીથી વધુ તાપમાન
ચંદ્રમાન પર 14 દિવસ સુધી રાત અને 14 દિવસ સુધી દિવસ રહે છે. જ્યારે ચંદ્રમા પર લેન્ડર વિક્રમનું લેન્ડિંગ થયું હતું ત્યારે ત્યાં 14 દિવસવાળા ઉજાસનો સમય શરૂ થયો હતો. હવે જ્યારે 14 દિવસ બાદ ત્યાં રાત પડશે તો તાપમાન માઈનસ 100 ડિગ્રીથી વધુ સુધી પહોંચી જશે. અત્રે જણાવવાનું કે રશિયામાં સાઈબેરિયન સિટી વિશ્વમાં સૌથી ઠંડો વિસ્તાર મનાય છે. જ્યાં શિયાળામાં માઈનસ 50 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે અને ત્યારે ત્યાં બધુ જામી જાય છે. હવે તેની ચંદ્રમા સાથે સરખામણી કરીએ તો 14 દિવસ બાદ જ્યારે ત્યાં રાત હશે તો આ તાપમાન સાઈબેરિયન સિટીની સરખામણીમાં બમણા જેટલું થઈ જશે. 


14 દિવસની ઉંમર
હાલ તો ચંદ્રયાનના લેન્ડર અને રોવર પોતાના સોલર પેનલ્સ દ્વારા પાવર જનરેટ કરી રહ્યા છે. પરંતુ સૌથી મુશ્કેલ સમય ત્યારે આવશે જ્યારે 14 દિવસ બાદ રાત પડશે. રાત થતા જ તેમને ઉર્જાનો સ્ત્રોત મળશે નહીં તો પાવર જનરેટ થવાની પ્રોસેસ અટકી જશે અને ઉર્જા નહીં મળે તો ત્યારે ભીષણ ઠંડીને પણ કદાચ ઝેલી શકે નહીં. આથી તેમની ઉંમર 14 દિવસ હોવાનું કહેવાઈ રહ્યું છે.