વિક્રમ લેન્ડર હવે ચંદ્રથી ફક્ત 25 કિલોમીટર દૂર છે. બીજી બાજુ રશિયાના ચંદ્રયાન લૂના 25માં ટેક્નિકલ ખામી આવવાના કારણે તે રસ્તો ભટકી ગયું છે. ચંદ્રયાન 3નો બીજો અને અંતિમ ડીબુસ્ટિંગ ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થઈ ગયું. ઈસરોના વૈજ્ઞાનિકોએ બુધવારે ચંદ્રમાની સપાટી પર અંતરિક્ષ યાનને ઉતારતા પહેલા મહત્વપૂર્ણ તબક્કાની ઊંડાણપૂર્વક નિગરાણી કરી. લેન્ડર વિક્રમે પોતાને એક એવી કક્ષામાં સ્થાપિત કરી દીધુ છે જ્યાંથી ચંદ્રમાનું નજીકનું અંતર 25 કિમી અને સૌથી દૂરનું અંતર 134 કિમી છે. ઈસરોએ કહ્યું છે કે આ કક્ષાથી તે બુધવારે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગની કોશિશ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસરોએ કરી ટ્વીટ
ઈસરોએ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે બીજા અને અંતિમ ડીબુસ્ટિંગ ઓપરેશને લેન્ડર મોડ્યુલની કક્ષાને સફળતાપૂર્વક 25 કિમી X 134 કિમી સુધી ઓછી કરી છે. મોડ્યુલે આંતરિક તપાસમાંથી પસાર થવું પડશે અને નિર્દિષ્ટ લેન્ડિંગ સ્થળ પર સૂર્યોદયની રાહ જોવી પડશે. આ સાથે જ ઈસરોએ જણાવ્યું કે અહીંથી 24 ઓગસ્ટ સાંજે 5.45 વાગે લેન્ડિંગની કોશિશ કરવામાં આવશે. 



શુક્રવારે પહેલા ડીબુસ્ટિંગ ઓપરેશન દરમિયાન ઈસરોના પૂર્વ પ્રમુખ કે સિવને જણાવ્યું હતું કે ચંદ્રયાન 3 લેન્ડરની ડિઝાઈન એ જ છે જે ગત ચંદ્રયાન 2 મિશનમાં ઉપયોગમાં લેવાઈ હતી. તેમણે કહ્યું કે ડિઝાઈનમાં કોઈ ફેરફાર નથી. ચંદ્રયાન 2ના અવલોકનના આધારે મિશનમાં થયેલી તમામ ખામીઓને ઠીક કરી લેવાઈ છે. 


ચંદ્રમા પર સફળ લેન્ડિંગ બાદ ભારત આ ઉપલબ્ધિ મેળવનાર દુનિયાનો ચોથો દેશ બની જશે. અત્રે જણાવવાનું કે ચંદ્રયાન 3 એ 14 જુલાઈના રોજ લોન્ચિંગ બાદ પાંચ ઓગસ્ટના રોજ ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલને અલગ કરવાની કવાયત પહેલા તેને 6, 9, 14, અને 16 ઓગસ્ટના રોજ ચંદ્રમાની કક્ષામાં નીચે લાવવાની કવાયત કરાઈ જેથી કરીને તે ચંદ્રની સપાટીની વધુ નજીક આવી શકે. 


ચંદ્રયાન 3ના લેન્ડર વિક્રમ 17 ઓગસ્ટે પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયું હતું અને પોતે આગળ ચાલી રહ્યું હતું. બીજો રસ્તો પકડી લીધો હતો. આ જ રસ્તે તે હવે ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે. 18 ઓગસ્ટના રોજ બપોર પહેલા વિક્રમ લેન્ડર અને પ્રોપલ્શન મોડ્યુલ 153km X 163 km ની ઓર્બિટમાં હતા. પરંતુ લગભગ 4 વાગે બંનેના રસ્તા ફંટાઈ ગયા. 


ત્યારબાદ વિક્રમ લેન્ડર  113 km x 157 km ની ઓર્બિટમાં આવી ગયું. ત્યારે તેનું ચંદ્રમાની ધરતીથી અંતર ફક્ત 113 કિમી હતું. એટલે કે વિક્રમ 113 કિલોમીટરવાળી પેરીલ્યૂન અને 157 કિલોમીટર વાળા એપોલ્યૂનમાં હતું. પેરીલ્યૂન એટલે કે ચંદ્રની સપાટીથી ઓછું અંતર અને એપોલ્યૂન એટલે ચંદ્રની સપાટીથી વધુ અંતર. 


હાલ વિક્રમ લેન્ડર ઉલ્ટી દિશામાં ઘૂમી રહ્યું છે. એટલે કે રેટ્રોફાયરિંગ કરી રહ્યું છે. વિક્રમ લેન્ડર હવે પોતાની ઊંચાઈ ઓછી કરવાની સાથે સાથે ગતિ પણ ધીમી કરી રહ્યું છે. પહેલેથી એ તૈયારી હતી કે 20 ઓગસ્ટની રાતે થનારા ડીબુસ્ટિંગ બાદ વિક્રમ લેન્ડર ચંદ્રમાથી ફક્ત 24થી 30 કિમીના અંતર સુધી પહોંચી જાય. 


ચંદ્રની ચારેય તરફ ચંદ્રયાન 3ના અંતિમ ઓર્બિટ મેન્યુવર 16 ઓગસ્ટ 2023ના રોજ કરાઈ હતી. જ્યારે લોન્ચિંગ થયું હતું ત્યારે ઈસરો પ્રમુખ ડો.એસ સોમનાથે કહ્યું હતું કે ચંદ્રયાન 3ને 100 કિમીવાળા ગોળાકાર ઓર્બિટમાં લાવીશું. ત્યારબાદ પ્રોપલ્શન અને વિક્રમ લેન્ડર મોડ્યુલ અલગ થશે પરંતુ આ વખતે એવું થયું નહીં. 


2019માં પણ ચંદ્રયાન 2ને 100 કિમીની ગોળાકાર ઓર્બિટમાં નાખવાની વાત થઈ હતી. પરંતુ નિર્ધારિત પ્લાન પ્રમાણે બધુ થતું નથી. લેન્ડિંગ પહેલા ચંદ્રયાન 2ની અંતિમ ઓર્બિટ 119 km x 127 હતી. એટલે કે ઓર્બિટમાં મામૂલી અંતર રહેતું હોય છે. આ અંતરથી જો કે કોઈ પરેશાની થતી નથી. 


એકવાર જ્યારે વિક્રમ લેન્ડરને 24 કે 30 કિમીની ઓર્બિટ મળી જશે ત્યારે ઈસરોનું સૌથી કપરું કામ શરૂ થશે. એટલે કે સોફ્ટ લેન્ડિંગ. ચંદ્રની એકદમ નજીક 30 કિમીના અંતર પર આવ્યા બાદ વિક્રની ગતિને ઓછી કરવી. તેના માટે સૌથી યોગ્ય જગ્યા શોધવી. યોગ્ય ગતિમાં લેન્ડિંગ કરાવવું. એ પણ પોણા ચાર લાખ કિલોમીટર દૂરથી. આ તમામ કામ ખુબ જ જટિલ અને કપરું રહેવાનું છે.