ચંડીગઢઃ પંજાબમાં નવા મુખ્યમંત્રીના નામને લઈને કલાકો સુધી ચાલેલા મંથન બાદ રવિવારે સાંજે ચરણજીત સિંહ ચન્નીના નામ પર મહોર લાગી છે. તેઓ રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે. પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતે ચરણજીત સિંહ ચન્નીને પંજાબ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા પસંદ કરવાની જાહેરાત કરી છે. ચન્ની પહેલા પંજાબ સરકારમાં મંત્રી સુખજિંદર સિંહ રંધાવાનું નામ લગભગ ફાઇનલ હતું, પરંતુ અંતિમ સમયમાં તેમના નામની જગ્યાએ ચરણજીત સિંહના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રથમવાર હશે જ્યારે પંજાબમાં દલિત નેતાને રાજ્યની કમાન સોંપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા બાદ ચન્ની સહિત કોંગ્રેસ નેતા રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. હરીશ રાવતે રાજ્યપાલ પાસે મળવાનો સમય માંગ્યો હતો. ચન્નીને કેપ્ટન અમરિંદર સિંહના વિરોધી ગણાવવામાં આવે છે. મહત્વનું છે કે પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંહે ગઈકાલે રાજીનામુ આપ્યું હતું. 


કોણ છે ચરણજીત સિંહ ચન્ની?
ચરણજીત સિંહ ચન્ની અમરિંદર સિંહની સરકારમાં ટેક્નિકલ શિક્ષણ અને પર્યટન મંત્રી હતા. ચમકૌર વિધાનસભા સીટથી તેઓ ધારાસભ્ય છે. ચન્ની પંજાબ વિધાનસભામાં નેતા વિપક્ષ રહી ચુક્યા છે. તેમની ઉંમર 48 વર્ષ છે. 


આ પણ વાંચોઃ લો બોલો...દેશના આ રાજ્યમાં વિપક્ષનું નામોનિશાન મટી ગયું, બધા પક્ષો ભેગા મળી સરકાર ચલાવશે


ચન્ની એક નિર્વિવાદિત ચહેરો રહ્યા છે. તેઓ ત્રીજીવાર ધારાસભ્ય બન્યા છે. મહત્વનું છે કે 1966માં રાજ્યના પુર્નગઠન થયા બાદ કોઈ દલિત નેતાને પ્રદેશની કમાન મળી છે. ચન્ની તેમના બેદાગ રાજકીય કરિયર માટે જાણીતા છે. આ સાથે તેમને સરકારમાં કામ કરવાનો પણ અનુભવ છે.


કોંગ્રેસે આપ્યો આ સંદેશ
કોંગ્રેસના આ નિર્ણયને આગામી વર્ષે રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. રાજ્યમાં દલિત વસ્તી ત્રીસ ટકાથી વધુ છે. સાથે કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવી પાર્ટીની અંદર સીનિયર નેતાઓ વચ્ચે વિવાદ ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube