રાયપુરઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં મંગળવારે સાંજે 5 કલાકે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જોકે, સાંજે 6 વાગ્યા સુધી 72 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અનેક પોલિંગ બૂથ પર ત્યાર બાદ પણ લાઈનો લાગેલી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના મૂખ્ય ચૂંટણી અધિકારી કચેરીના અધિકારીઓએ જણાવ્યું કે, સવારે 8 કલાકે રાજ્યના 19 જિલ્લાની 72 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થયું હતું અને સાંજે 5 કલાકે મતદાન બંધ કરી દેવાયું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં 64.8 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો હતો. મતદાન પૂર્ણ કરાયા બાદ પણ મતદાનમથક પર હાજર લોકોને મત આપવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. 


ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્યમાં સવારથી જ મતદાન માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળતો હતો. મતદાન મથકો પર વહેલી સવારથી જ લાંબી લાઈનો લાગી ગઈ હતી. રાજ્યમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોએ પણ ઉત્સાહ સાથે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. વયોવૃદ્ધ મતદારો પણ મતદાન મથકે પોતાના મતાધિકારનો પ્રયોગ કરવા માટે પહોંચ્યા હતા. 


રાજ્યના મુખ્યમંત્રી રમણ સિંહ, તેમના મંત્રીમંડળના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સરોજ પાંડેય, રાજનાદગાંવ લોકસભાના સાંસદ અભિષેક સિંહ, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ટી.એસ. સિંહદેવ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેશ બધેલ સહિત અનેક રાજકીય હસ્તીઓએ પોત-પોતાના વિસ્તારમાં મતદાન કર્યું હતું. 


બીજા તબક્કામાં 1079 ઉમેદવાર મેદાનમાં
બીજા તબક્કાના મતદાનમાં 1079 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં 113 અનુસૂચિત જાતિ અને 176 અનુસૂચિત જનજાતિના ઉમેદવાર હતા. તેમાંથી 119 મહિલાઓ ઉમેદવારે આ વખતે ચૂંટણીમાં ઊભી રહી હતી. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે, બિન્દ્રાનવાગઢના બે મતદાન મથક આમામોરા અને મોઢમાં સવારે 7 થી બપોરે 3 વાગ્યા સુધી તથા બાકીના 72 વિધાનસભા ક્ષેત્રોમાં સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો મતદાનનો સમય નક્કી કરાયો હતો. 



કુલ મતદાર 1,54,00,596
ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે, બીજા તબક્કામાં કુલ 19,336 મતદાન મથક હતા, જેમાંથી 444 સંવેદનશીલ અને સંગવારી(મિત્ર) મતદાન મથકની સંખ્યા 118 હતી. સંગવારી મતદાન કેન્દ્રોમાં મતદાન કેન્દ્રના તમામ કર્મચારી મહિલાઓ હતી. તેમણે જણાવ્યું કે, કુલ 1,54,00,596 મતદારોમાં 77,53,337 પુરુષ મતદાર અને 76,46,382 મહિલા મતદાર હતા. મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 84,688 કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કરાયા હતા. 


અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્યમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. અર્ધસૈનિક દળ અને પોલીસના લગભઘ દોઢ લાખ જવાનોને ડ્યુટી પર ગોઠવવામાં આપ્યા હતા. રાજ્યના ગરિયાબંદ, ધમતરી, મહાસમુંદ, કબીરધામ, જશપુર અને બલરામપુર જિલ્લાના કેટલાક વિસ્તારો નકસલપ્રભાવિત હતા. આ જિલ્લામાં સુરક્ષા દળના જવાનોની સંખ્યા વધારે રાખવામાં આવી હતી. 


બીજા તબક્કામાં વિધાનસભાની 72 બેઠકમાંથી 17 બેઠક અનુસૂચિત જનજાતિનાં અને 9 બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત હતી. વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ 72 બેઠકમાંથી 43 બેઠક પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસે 27 અને બહુજન સમાજ પાર્ટીને એક બેઠક પર વિજય મળ્યો હતો. એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજયી બન્યો હતો. 


અજિત જોગી અને બીએસપીએ ત્રિકોણીય મુકાબલો બનાવ્યો 
રાજ્યમાં સામાન્ય રીતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુખ્ય મુકાબલો રહે છે. આ વખતે ચૂંટણીમાં અજિત જોગીની પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢ(જે) અને બહુજન સમાજ પાર્ટી દ્વારા ચૂંટણી લડવાથી કેટલીક બેઠકો પણ ત્રિકોણીય મુકાબલો બન્યો છે. રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન છે અને આ વખતે ભાજપ 65 બેઠક પર વિજય મેળવવાના લક્ષ્ય સાથે ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસ એન્ટી ઈન્કમ્બન્સીનો લાભ લેવા માગી રહી છે. 


પ્રથમ તબક્કામાં 76 ટકા મતદાન
છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં રાજ્યના નકસલવાદ પ્રભાવિત બસ્તર વિસ્તારના 7 જિલ્લા અને રાજનાંદગાંવ જિલ્લાની 18 બેઠકો પર 12 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 76% મતદાન થયું હતું. 11 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાનારી છે.