છત્તીસગઢમાં ચૂંટણી પહેલા મોટો નક્સલી હૂમલો: 4 જવાન શહીદ, 2 ઘાયલ
છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ નક્સલવાદી હૂમલામાં 4 જવાન શહીદ થયા જ્યારે 2 ઘાયલ થયા હોવાની માહિતી મળી
રાયપુર : છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પહેલા મોટો નક્સલી હૂમલો થયો છે, જેમાંસેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નાં 4 જવાનો શહીદ થઇ ગયા. આ હૂમલામાં બે જવાનો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે. નક્સલવાદી હૂમલામાં શહીદ થયેલા જવાન CRPF-168 બટાલિયનના હતા. આ જવાનો એરિયા ડોમિનેશન પર નિકળ્યા હતા, ત્યારે બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુર્દોન્ડા ગામ નજીક વિસ્ફોટ થઇ ગયો. CRPFના ASP દિવ્યાંગ પટેલે આ ઘટનાની પૃષ્ટી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ચુકી છે, અને આચાર સંહિતા પણ લાગુ છે. રાજ્યમાં પહેલા તબક્કા અને બીજા તબક્કાનાં મતદાન માટે ચૂંટણી અંગેની માહિતી પણ જાહેર થઇ ચુકી છે. પહેલા તબક્કામાં રાજ્યની 18 વિધાનસભા સીટો પર 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 72 વિધાનસભા સીટો પર 20 નવેમ્બરે મતદાન થશે.