રાયપુર: છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહએ જુલાઈ 2016માં ભાજપના સૌથી વધુ દિવસો સુધી મુખ્યમંત્રી બની રહેવાનો રેકોર્ડ તોડ્યો હતો. રમણ સિંહ વર્ષ 2003થી છત્તીસગઢની સત્તા સંભાળ્યા બાદથી અત્યાર સુધી અપરાજિત રહ્યાં છે. તેમણે વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીનો તે રેકોર્ડ પણ તોડ્યો હતો જે તેમણે તેમના મુખ્યમંત્રી કાર્યકાળમાં બનાવ્યો હતો. આ સાથે જ હવે રમણ સિંહનની નજર સતત ચોથીવાર મુખ્યમંત્રી બનવા પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોગી, કોંગ્રેસ અને બીએસપીના ગઠબંધન તરફથી મળી રહ્યો છે પડકાર
રાજ્યને લઈને જારી કરવામાં આવેલા પ્રી પોલ સર્વે ગણાવે છે કે છત્તીસગઢમાં ફરી એકવાર મોટા માર્જિન સાથે રમણ સિંહની સરકાર આવશે. જો કે છત્તીસગઢ જેવા રાજ્ય માટે આમ કહેવું અનપેક્ષિત રહેશે કારણ કે અહીં હંમેશાથી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થતી આવી છે. આ બધા વચ્ચે રાજ્યમાં કોંગ્રેસ સાથે નાતો તોડીનારા અજીત જોગીની છત્તીસગઢ જનતા કોંગ્રેસ (જે)એ બીએસપી અને સીપીઆઈ સાથે ગઠબંધન કરીને વિધાનસભા ચૂંટણીને વધુ રોમાંચક બનાવી છે. 


પડકારોને પહોંચી વળવામાં એક્સપર્ટ છે રમણ સિંહ
જો કે આ પહેલીવાર નહીં હોય કે સીએમ રમણ સિંહ આવી સ્થિતિમાં ફસાયા હશે. આ અગાઉ વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા બસ્તરમાં થયેલા મોટા માઓવાદી હુમલામાં છત્તીસગઢ કોંગ્રેસના શિખર નેતૃત્વના અનેક નેતાઓના મોત થતા માહોલ બદલાઈ ગયો હતો. લોકોને લાગતું હતું કે આ વખતે સહાનુભૂતિના મતો મેળવીને કોંગ્રેસ રાજ્યમાં સત્તા મેળવશે. કહેવાતું હતું કે આ હુમલો રમણ સિંહ સરકાર પર લાગેલો મોટો ધબ્બો હતો. 


છત્તીસગઢમાં ભાજપના છે 'સાઈલેન્ટ પરફોર્મર'
કહેવાય છે કે ભાજપની રાજ્ય સરકાર પર આવેલા સંકટને પહોંચી વળવા માટે સીએમ રમણ સિંહે તપાસ ટીમને સ્પષ્ટ શબ્દોમાં સુરક્ષા મામલે થેયેલી ચૂકની વાત સ્વીકારી હતી. જો કે તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સુરક્ષાના તમામ ઈન્તેજામ કરાયા હતાં. તેમના આ નિવેદને તેમની છબીને એક કઠોર નિર્ણય લેનારા નેતા તરીકે મજબુત કરી હતી. આ બાજુ એક રૂપિયે કિલો ચોખા યોજનાને લઈને રમણ સિંહ પ્રદેશની ગરીબ જનતા વચ્ચે ચાઉરવાલે બાબાના નામથી પ્રખ્યાત  થઈ ગયા હતાં. સીએમ રમણ સિંહને છત્તીસગઢ ભાજપના સાઈલેન્ટ પરફોર્મર પણ કહેવાય છે. 


રમણ સિંહ વ્યવસાયે આયુર્વેદિક ડોક્ટર છે
66 વર્ષના રમણ સિંહ વ્યવસાયે આયુર્વેદિક ડોક્ટર છે. પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રમણ સિંહે મધ્ય પ્રદેશની કવર્ધા વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે કરી હતી. વર્ષ 1999માં તેમણે રાજનાંદગાંવથી લોકસભા ચૂંટણી જીતી હતી અને સંસદમાં ગયા હતાં. ત્યારબાદ અટલ સરકારમાં તેમને વાણિજ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પણ બનાવવામાં આવ્યાં હતાં. 



2003થી સત્તા પર છે બિરાજમાન
છત્તીસગઢ રાજ્યની રચના બાદ વર્ષ 2003માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રમણ સિંહને પોતાનો ચહેરો જાહેર કર્યાં હતાં. આ ચૂંટણીમાં ભાજપે 50 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસે 37 બેઠકો પર કબ્જો જમાવ્યો હતો. ચૂંટમીમાં બીએસપીને 2 સીટો, અને નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને એક સીટ મળી હતી. 2003માં મુખ્યમંત્રી બન્યા ંબાદથી જ રમણ સિંહ સતત બહુમત સાથે રાજ્યમાં સરકાર બનાવતા આવ્યાં છે. 



મુખ્યમંત્રી તરીકે બનાવ્યો સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ
નોંધનીય છે કે રમણ સિંહના નામે 15 વર્ષ 10 મહિનાનો રાજ્યના મુખ્યમંત્રી પદ પર રહેવાનો રેકોર્ડ છે. એકવાર ફરીથી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવીને રમણ સિંહ આ રેકોર્ડને વધુ ઊંચો કરવાની કોશિશમાં છે. અત્રે જણાવવાનું કે છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન થશે. પહેલા તબક્કાનું મતદાન 12 નવેમ્બરના રોજ 18 વિધાનસભા મતવિસ્તારો માટે અને બીજા તબક્કામાં બાકીની 72 વિધાનસભા સીટો માટે 20 નવેમ્બરના રોજ મતદાન થશે.