છત્તીસગઢ : સુરક્ષા જવાનોનું મોટું ઓપરેશન, 14 નકસલીઓને કર્યા ઠાર
સુરક્ષા જવાનો અને નકસલવાદીઓ સાથેની અથડામણ હજુ ચાલુ છે.
નવી દિલ્હી : છત્તીસગઢના સુકમામાં નકસલ ઓપરેશન દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. નકસલ ઓપરેશનમાં પોલીસ દ્વારા 14 નક્સલીઓને ઠાર કરાયાનો દાવો કરાઇ રહ્યો છે. સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ આ અથડામણ સુકમાના ગોલાપલ્લી અને કોટા વિસ્તારના નુલકાતુંગ ગામમાં ચાલી રહી છે. જેમાં પોલીસે નક્સલીઓની લાશનો કબજો લઇ 16થી વધુ હથિયારો પણ જપ્ત કર્યા છે.
આ અથડામણ અંગે વિગત આપતાં સુકમાના એસપી અભિષેક મીણાએ જણાવ્યું કે, સુકમાના નુલકાતુંગમાં ચાલી રહેલી અથડામણમાં 14 નકસલીઓને ઠાર કરાયા છે અને સાથોસાથ 16થી વધુ હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જવાનોને આ વિસ્તારમાં 200થી વધુ નક્સલીઓ એકઠા થયા હોવા અંગેની બાતમી મળી હતી. જે બાદ DRG, STF અને CRPFની ટીમો રવાના કરાઇ હતી. સુરક્ષા જવાનો જેવા નુલકાતુંગ ગામ પહોંચ્યા કે તરત જ નકસલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. વળતા જવાબમાં પોલીસ જવાનોએ પણ ફાયરિંગ કર્યું હતું અને 14 નકસલીઓને ઠાર કર્યા હતા. 14 નકસલી ઠાર કરાયા બાદ પણ હજુ અથડામણ ચાલું છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃત માઓવાદીઓની સંખ્યા હજુ વધી શકે એમ છે.
સુકમા એસપી અભિષેક મીણાના જણાવ્યા અનુસાર આ અથડામણ હજુ ચાલુ છે અને લાંબો સમય ચાલી શકે એમ છે. પૂર્ણ થયા બાદ આ અંગે વિગતવાર માહિતી જાહેર કરાશે. પોલીસને આ મોટી સફળતા મળી છે. અહીં નોંધનિય છે કે, કેટલાક દિવસો પહેલા મુખ્યમંત્રી રમણસિંહે પણ નકસલીઓને ચેતાવણી આપી હતી કે નકસલીઓ મુખ્યધારામાં આવી જાય નહીં તો પછી જવાનોનો સામનો કરવા તૈયાર રહે. કારણ કે હવે ગોળીથી જવાબ આપવામાં આવશે.