રાયપુરઃ છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં આવેલા ભિલાઈ સ્ટીલ પ્લાન્ટમાં ગેસ પાઈપલાઈનમાં વિસ્ફોટ થતાં 12 વ્યક્તિનાં મોત થયા છે અને 8ની હાલત ગંભીર છે. આ વિસ્ફોટ ભિલાઈ શહેરમાં આવેલા કોક ઓવન સેક્શનની નજીક થયો હતો. વિસ્ફોટનું સ્થળ રાજધાની રાયપુરથી 30 કિમી દૂર આવેલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિસ્ફોટ થવાને કારણે એ સ્થળે હાજર 20થી વધુ લોકો દાઝી જવાને કારણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  ઘટનાસ્થળે બચાવ રાહતની ટૂકડી અને પોલીસ ટીમના સભ્યો પહોંચી ગયા હતા. 


વર્ષ 2014માં પણ પ્લાન્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બે સિનિયર અધિકારી સહિત 6 લોકોનાં મોત થયા હતા. એ સમયે આ દુર્ઘટનામાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. 


વોટર પમ્પ હાઉસમાં પાઈપલાઈન તુટી જતાં ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઈડ પ્રસર્યો હતો, જે સમગ્ર પરિસરમાં ફેલાઈ ગયો હતો. 



સવારે 11 કલાકે થઈ હતી દુર્ઘટના
આ દુર્ઘટના સવારે 11 કલાકે સર્જાઈ હતી. ઘાયલોની સંખ્યા હજુ સ્પષ્ટ કરવામાં આવી નથી. ભિલાઈ પ્લાન્ટના પીઆર વિભાગના જણાવ્યા મુજબ, પ્લાન્ટના અંદર રહેલા તમામ કર્મચારીઓ સાથે વાતચીત ચાલુ છે. 


ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ, જેને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL) દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ પ્લાન્ટને દેશના શ્રેષ્ઠ ઈન્ટિગ્રેટેડ પ્લાન્ટની 11 વખત વડા પ્રધાનની ટ્રોફી મળી ચૂકી છે. 


સેઈલમાં સૌથી વધુ નફો કરતા ભિલાઈ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના 1955માં સોવિયત સંઘની મદદથી કરવામાં આવી હતી.