છત્તીસગઢના CM ભૂપેશ બઘેલના પિતાની ધરપકડ, બ્રાહ્મણ સમાજ પર કરી હતી વિવાદિત ટિપ્પણી
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ હતુ કે પ્રદેશની સરકાર બધા ધર્મો, જાતિ અને સમુદાય તથા તેની ભાવનાનું સન્માન કરે છે અને બધાને સમાન મહત્વ આપે છે. આખરે તેમના પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે.
રાયપુરઃ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ (Bhupesh Baghel) ના પિતા નંદ કુમાર બઘેલની ધરપકડ કરવામાં આવી છે. નંદ કુમાર બઘેલે કથિત રીતે બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી જેને લઈને રાયપુરના ડીડી નગર પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. નંદ કુમાર બઘેલની વિવાદિત ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
'સર્વ બ્રાહ્મણ સમાજ'ની ફરિયાદ પર કાર્યવાહી
એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે 'સર્વ બ્રાહ્મણ સમાજ' ની ફરિયાદ પર ડીડી નગર પોલીસ સ્ટેશનમાં શનિવારે મોડી રાત્રે 86 વર્ષીય નંદ કુમાર પર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે નંદ કુમાર બઘેલ વિરુદ્ધ IPC ની કલમ 153A (વિવિધ સમૂહો વચ્ચે ધર્મ, જાતિ, જન્મસ્થાન, નિવાસ અને ભાષાના આદાર પર વૈમનસ્ય પેદા કરવો) અને કલમ-505 (1) (B) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં સંગઠને આરોપ લગાવ્યો કે હાલમાં મુખ્યમંત્રીના પિતાએ બ્રાહ્મણોને વિદેશી ગણાવી લોકોને તેમનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. તેમણે કથિત રીતે બ્રાહ્મણોને ગામમાં ન આવવા દેવાનું આહ્વાન કર્યું હતું.
આ પણ વાંચોઃ ભારતે વધુ એક કીર્તિમાન બનાવ્યો, દેશમાં 70 કરોડ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
પિતાની ટિપ્પણી પર શું બોલ્યા મુખ્યમંત્રી
અધિકારી પ્રમાણે નંદ કુમાર બઘેલે કથિત રીતે લોકોને અપીલ કરી કે તે બ્રાહ્મણોને દેશમાંથી કાઢે. તેમણે ફરિયાદીના હવાલાથી જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતાએ પહેલા પણ ભગવાન રામ વિશે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. અધિકારીએ જણાવ્યુ કે, સંગઠને પોતાની ફરિયાદમાં કહ્યુ કે, મુખ્યમંત્રીના પિતાની કથિત ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. પોલીસ પ્રમાણે નંદ કુમાર બઘેલે કથિત ટિપ્પણી હાલમાં ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કરી હતી. પિતાની ટિપ્પણીથી ઉભા થયેલા વિવાદ બાદ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરવી પડી અને તેમણે કહ્યું કે, તે પિતાની ટિપ્પણીથી દુખી છે.
CM ના પિતાની સાથે વૈચારિક મતભેદ
સતત સવાલ ઉઠી રહ્યા હતા કે નંદ કુમાર બઘેલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે નહીં કારણ કે તે મુખ્યમંત્રીના પિતા છે. ત્યારબાદ ભૂપેશ બઘેલે કહ્યુ, મારી સરકારમાં બધા વ્યક્તિ બરાબર છે. બધાને ખ્યાલ છે કે મારા પિતાની સાથે વૈચારિક મતભેદ છે. અમારા રાજકીય વિચાર અને વિશ્વાસ અલગ છે. હું એક પુત્ર તરીકે તેમનું સન્માન કરુ છું, પરંતુ એક મુખ્યમંત્રી તરીકે હું આવી ભૂલને માફ ન કરી શકું જેનાથી કાયદો વ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube