છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી LIVE : વોટર્સમાં દેખાયો ઉત્સાહ, પહેલા ચરણમાં 16.24% મતદાન
18 વિધાનસભા વિસ્તારમાં 190 ઉમેદવારો સામે ખેલાશે જંગ, નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવાથી 10 વિધાનસભા ક્ષેત્રમાં સવારે 7થી3 મતદાન થશે.
નવી દિલ્હી/રાયપુર: 5 રાજ્યોમાં થનારા વિધાનસભા ઈલેક્શનની શરૂઆત આજે 12 નવેમ્બરથી થઈ ગઈ છે. જે અંતર્ગત આજે છત્તીસગઢમાં પહેલા ચરણ માટે 10 સીટ પર સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું છે. 8 સીટ પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. આ ઈલેક્શનમાં છત્તીસગઢના મતદાતાઓ નક્સલીઓને વોટિંગ કરીને જડબાતોડ જવાબ આપતા દેખાઈ રહ્યાં છે. સવારે 11.30 વાગ્યા સુધી 16.24 ટકા વોટ પડ્યા હતા. મતદાનમાં સવારે 10 વાગ્યા સુધી 10.7 ટકા વોટ પડ્યા હતા. સવારે 9 વાગ્યા સુધી નક્સલ પ્રભાવિત દંતેવાડામાં 10 ટકા તો કાંકરેમાં 13 ટકા મતદાન થયું હતું. તો સુકમાના ભેજ્જીમાં પહેલીવાર 100થી વધુ વોટ પડ્યા હતા.
આજે જે 18 સીટ પર મતદાન થઈ રહ્યું છે, તે તમામ નક્સલ પ્રભાવિત વિસ્તારો છે. નક્સલીઓએ આ વિસ્તારોમાં મતદાન ન કરવાની પણ ચેતવણી આપી હતી. તેમ છતાં મોટી સંખ્યામા મતદાતાઓ પોતાના ઘરથી નીકળ્યા છે, અને ઉત્સાહપૂર્વક વોટ આપી રહ્યાં છે. સાથે જ નક્સલીઓને પણ જડબાતોડ જવાબ આપી રહ્યાં છે.
સુકમાના ભેજ્જીમાં જ્યા ગત વખતે એક જ વોટ પડ્યો હતો, ત્યાં આ વખતે સવારે 9 વાગ્યા સુધી જ 100થી વધુ વોટ પડી ચૂક્યા છે. તો ગોરખા ગામના મતદાન કેન્દ્રોમાં પણ અત્યાર સુધી 20 વોટ પડી ચૂક્યા છે. આ પહેલા અહીં ક્યારેય વોટિંગ થયું ન હતું.
છત્તીસગઢમાં મતદાતા કેવી રીતે નક્સલીઓના ઈરાદાઓ પર પાણી ફેરવી રહ્યાં છે, તે હાલ સામે આવેલા મતદાનના આંકડા પરથી દેખાઈ રહ્યું છે. દંતેવાડા સૌથી વધુ નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. અહીંના કિડરીરાસમાં નક્સલીઓએ ઈલેક્શનનો બહિષ્કાર કર્યો હતો અને લોકોને વોટ ન નાખવાની ચેતવણી આપી હતી. તેમ છતાં સોમવારે સવારે ગામના વોર્ડ પંચ પાકલુએ પહેલો વોટ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓએ ગામવાળાઓનો જીવ બચાવવા માટે વોટ આપ્યો છે. તે ગામવાળાઓ માટે જીવ પણ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, નક્સલીઓએ લોકોને વોટ આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
18 બેઠકો માટે 190 ઉમેદવારો માટે વોટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવાથી 10 વિધાનસભાની બેઠકો પર સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. જેમાં મોહલા માનપુર, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકાલ, કોંડાગાંવ, નારાયણપુરા, વીજાપુર, અને કોટાનો સમાવેશ થાય છે. 8 વિધાનસભામાં સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. જેમાં ખૈરાગઢ રાજનાંદગાંવ, ડોદરગાંવ, ખુજ્જી, બસ્તર, જગદલપુર, અને ચિત્રકોટનો સમાવેશ થાય છે.
942 મતદાનકર્મીઓ હેલીકોપ્ટરથી આવશે, આ ચૂટણી માટે 18 હજાર જેટલા સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. 273 બૂથ પર સુરક્ષા અંગે ખ્યાલ રાખવામાં આવ્યો છે. સેમવારે નક્સલ પ્રભાવિત આઠ જિલ્લાઓમાં મતદાતા મુખ્યમંત્રી રમનસિંહ સહિત 190 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય લેશે.
રાજ્યના મુખ્ય નિર્વાચીન અધિકારી સુબ્રત સાહુએ રવિવારે અહિ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, રાજ્યમાં પ્રથમ ચરણના મતદાન માટે તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. શાંતિપૂ્ર્ણ મતદાન પૂર્ણ થવા માટે સુરક્ષા વ્યવ્સથાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ રાજ્યમાં સુરક્ષાને ધ્યાને રાખીને સવા લાખ જેટલા જવાનો તેનાત કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે રાજ્યમાં ચૂંટણી કાર્ય માટે કેન્દ્રથી લગભગ 65 હજાર જેટલા સૈનિકોને અહિં મોકલવામાં આવ્યા છે.જેમાં અર્ધ સૈનિકબળ અને પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. રાજ્યનો ખુણે ખુણો સતત જવાનોની નજરમાં છે. તથા પાડોશી રાજ્યની પોલીસ સાથે પણ સતત સંપર્કમાં રહિને સુરક્ષાવ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
આજે થઇ રહેલા મતદાન વિસ્તારમાં પુરુષ મતદારોની સંખ્યા 15,57,435 તથા મહિલા મતદારોની સંખ્યા 16,22,492 છે. જ્યારે અન્ય એટલે કે ત્રીજા લીંગના 87 મતદારનો સમાવેશ થાય છે. મુખ્ય અધિકારીએ જણાવ્યું કે પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ કરવા માટે 19079 કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. જે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન કરાવશે.