ચિદમ્બરમને બુધવારે સુપ્રીમમાં ન મળી રાહત, હવે શુક્રવારે થશે જામીન અરજી પર સુનાવણી
ચિદમ્બરમની અરજીમાં કેટલીક ટેક્નીકલ ખામીઓના કારણે અરજી લિસ્ટ થઈ શકી ન હતી, જેના કારણે જસ્ટિસ રામન્નાએ સુનાવણીનો ઈનકાર કરી દીધો હતો. હવે ચિદમ્બરમની અરજી પર શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.
નવી દિલ્હીઃ INX મીડિયા નાણાકીય લેવડ-દેવડ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી હાલ કોઈ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટમાં ત્રણ વખત પ્રયાસ કરવા છતાં પણ બુધવારે તેમની અરજી પર સુનાવણી થઈ શકી નથી. હવે તેમની આગોતરા જામીન અરજી પર શુક્રવારે સુનાવણી થશે.
આ અગાઉ લંચ પછી જસ્ટિસ રમન્નાએ અરજી પર ફરીથી સુનાવણીનો એટલા માટે ઈનકાર કરી દીધો, કેમ કે અરજીમાં રહેલી ખામીઓ દૂર કરાઈ ન હતી. જસ્ટિસ રામન્નાએ જણાવ્યું કે, કેસ જ્યાં સુધી લિસ્ટિંગમાં નહીં આવે ત્યાં સુધી તેઓ સુનાવણી હાથ ધરશે નહીં. ત્યાર પછી રજિસ્ટ્રીએ જસ્ટિસ રમન્નાની કોર્ટને જણાવ્યું હતું કે, અરજીમાં રહેલી ખામીઓ દૂર થઈ ગઈ છે. જોકે, હવે તેમના કેસની સુનાવણી કોણ અને ક્યારે કરશે એ હજુ નક્કી નથી. ત્યાર પછી ચિદમ્બરમના વકીલ અરજીને લિસ્ટિંગમાં લેવાનો આદેશ લેવા માટે મુખ્ય ન્યાયાધિશની કોર્ટમાં પહોંચ્યા હતા, પરંતુ તેમણે સુનાવણીની માગ કરી ન હતી.
તેના પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જસ્ટિસ રમન્ના સમક્ષ કેસની મેનશનિંગની મંજૂરી આપી હતી. ત્યાર પછી ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે જસ્ટિસ રમન્નાની બેન્ચને જણાવ્યું કે, તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, આથી તેઓ બીજી વખત મેનશનિંગ માટે આવ્યા છે. જસ્ટિસ રામન્નાએ જણાવ્યું કે, તમારી અરજીમાં ખામીઓ છે અને તેમાં સુધારો થયા પછી જ સુનાવણી શક્ય છે.
પી. ચિદમ્બરમ સામે સીબીઆઈએ ફટકારી લુકઆઉટ નોટિસ
ચિદમ્બરમના વકીકલ કપિલ સિબ્બલે જણાવ્યું કે, રજિસ્ટ્રારે હજુ સુધી તેમની અરજીની જે ખામીઓ છે તે દૂર કરીને તેમનો કેસ લિસ્ટ કર્યો નથી. આથી જસ્ટિસ રમન્નાએ જણાવ્યું કે, રજિસ્ટ્રારે જણાવ્યું કે હજુ સુધી તમારી અરજીમાં રહેલી ખામીઓ દૂર થઈ નથી. એટલે અમે કશું જ કરી શકીએ એમ નથી.
વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું કે, સાધારણ ભૂલ છે. જસ્ટિસ રમન્નાએ ફરી કહ્યું કે, તમે એ ભુલ સુધારીને આવો. જસ્ટિસ રમન્નાએ રજિસ્ટ્રારને બોલાવીને પુછ્યું કે, અરજીમાં શું મુશ્કેલી છે? કપિલ સિબ્બલે જણાવ્યું કે, અરજી પર ભલે ગમે ત્યારે સુનાવણી કરવામાં આવે, પરંતુ અમને વચગાળાની રાહત આપી શકાય એમ છે. મારા અરજદાર ક્યાંય ભાગીને જવાના નથી. રજિસ્ટ્રારે કહ્યું કે, ખામીઓ દૂર થઈ ગઈ છે, પરંતુ હવે કેસ કોની બેન્ચમાં જશે એ ચીફ જસ્ટિસ નક્કી કરશે.
આ દરમિયાન ચિદમ્બરમ કેસમાં CBIએ પણ બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક કેવિએટ અરજી દાખલ કરીને જણાવ્યું છે કે, અમારો પક્ષ સાંભળ્યા વગર કોર્ટે એક પક્ષીય આદેશ આપવો નહીં. આમ, ચિદમ્બરમને બુધવારે સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી.
જુઓ LIVE TV....