પુણે: સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ગુરૂવારે અહીં જણાવ્યું કે, ભારતીય સેનાને નોકરીના માધ્યમ તરીકે જોવામાં ન આવે. ગુરૂવારે પુણે પહોંચેલા સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કડક શબ્દોમાં સેનાને નોકરીનું માધ્યમ સમજતા લોકોની ઝાટકણી કાઢી હતી. આ સાથે જ તેમણે બિમાર તથા દિવ્યાંગનું બહાનું કાઢીને ડ્યુટીથી બચનારા અથવા ફાયદો મેળવનારા જવાનોને પણ ચેતવણી આપી હતી. સેના પ્રમુખે ડ્યુટી દરમિયાન વાસ્તવમાં દિવ્યાંગ થનારા પૂર્વ સૈનિકો અને સેવારત જવાનો તમામને મદદ આપવાની હૈયાધારણા આપી હતી. જનરલ રાવતે કહ્યું કે, ઘણીવખત જોવામાં આવે છે કે લોકો ભારતીય સેનાને એક રોજગાર-નોકરી પ્રાપ્ત કરવાનુ માધ્યમ સમજે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનાધ્યક્ષે કહ્યું કે, નવયુવાનો મારી પાસે આવે છે અને કહે છે કે મારે સેનામાં નોકરી જોઇએ. હું તેમને કહેવા માંગીશ કે ભારતીય સેના નોકરી મેળવવાનું સાધન નથી, નોકરી લેવી હોય તો રેલ્વેમાં જાવ અથવા પોતાનો બિઝનેસ ખોલો. દક્ષિણી કમાન, દક્ષિણી પશ્ચિમ કમાન અને કેન્દ્રીય કમાનનાં 600 સેવારત અને સેવાનિવૃત વિકલાંગ જવાનો હાજર હતા તેવા કાર્યક્રમને સંબોધતા તેમણે આ વાત કરી હતી. 

સેનાને રોજગારની તક સમજનારા લોકોની વિચારસરણી પર તેમણે સવાલ ઉઠાવ્યા હતા. સેના પ્રમુખ બિપિન રાવતે આર્મીને રોજગાર તરીકે સમજનારા લોકોને સલાહ આપી કે તમે રેલ્વેમાં નોકરી શોધી શકો છો. સેનામાં જોડવા માટે તમારે શારીરિક અને માનસિક બંન્ને પ્રકારે મજબુત હોવું ખુબ જ જરૂરી છે. હંમેશા પડકારજનક પરિસ્થિતીઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઇએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે 2018ને "ડ્યુટી લાઇનમાં અક્ષમ" સૈનિકોનું વર્ષ જાહેર કરાયેલું છે. જનરલ રાવતે કહ્યું કે, જે જવાન અને અધિકારીઓ અક્ષમતાનું બહાનુ કરશે, તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, મે સેનિકો અને અધિકારીઓનો એક વર્ગ જોયો છે જેઓ બ્લડપ્રેશર, હાઇપરટેંશન અને ડાયાબીટીસનું કારણ દર્શાવીને મુશ્કેલ પરિસ્થિતીવાળા સ્થળો પર પોસ્ટીંગથી બચી જાય છે.