ચીનની સેનાએ ઓગસ્ટ મહિનામાં ભારતીય સરહદની અંદર ત્રણ વખત ઘુસણખોરી કરીઃ અહેવાલ
અહેવાલ મુજબ, ધ પીપલ્સ લિબરેશન આર્મીએ લાઈન ઓફ કન્ટ્રોલ (એલઓસી)માં મધ્ય વિસ્તારમાં ત્રણ વખત ઘુસણખોરી કરી હતી, ઉત્તરાખંડના બારાહોટીમાં તો ચીનની સેના 4 કિમી સુધી અંદર ઘુસી આવી હતી
લદાખઃ ચીનની સેનાએ ભારતીય સરહદની અંદર ઓગસ્ટ મહિના દરમિયાન ઉત્તરાખંડમાં ત્રણ વખત ઘુસણખોરી કરી હતી. બુધવારે એએનઆઈ એજન્સીને પ્રાપ્ત એક અહેવાલમાં સુત્રોએ આ બાબત જણાવી હતી. પૂર્વીય લદાખના ડેમચોક વિસ્તારમાં ચીનની સેનાના એક જૂથ દ્વારા ઓગસ્ટ મહિનામાં ભારતીય સેનામાં પ્રવેશ બાદ આ રિપોર્ટ આવ્યો છે.
એએનઆઈ દ્વારા બુધવારે આપેલા અહેવાલ મુજબ, ધ પિપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા લાઈન ઓફ કન્ટ્રોલ (એલઓસી)નું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ચીનની સેના ઉત્તરાખંડના ચામોલી જિલ્લાના બારાહોટી ગામમાં તો છેક 4 કિમી સુધી અંદર ઘુસી આવી હતી.
જુલાઈ મહિનામાં પણ બારાહોટીમાં ચીનના જવાનો બારાહોટીમાં એક કિલોમીટર જેટલા અંદર ઘુસી આવ્યાહતા. આ વિસ્તારમાં અગાઉ 2013 અને 2014માં પણ હવાઈ અને પગપાળા એમ બંને રીતે ઘુસણખોરી કરવામાં આવી હતી.
ચીનની સેના દ્વારા લાઈન ઓફ કન્ટ્રોલના અંદર પ્રવેશ અંગે નોર્ધર્ન કમાન્ડના જનરલ ઓફિસ કમાન્ડિંગ ઈન ચીફ લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંગે અગાઉ જણાવ્યું હતું કે, "ચીનની સેવા એવા વિસ્તારમાં ઘુસી આવી હતી જ્યાં બંને દેશ વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ અંગે જુદી-જુદી માન્યતા છે." તેમણે વધુમાં જણાવ્યું કે, પર્વતની ચોટી ઉપર આવેલા આ વિસ્તારમાં બંને દેશના પ્રતિનિધીની વિશેષ હાજરી છે અને સરહદ નક્કી કરવા માટે ભારત અને ચીન વચ્ચે ઉચ્ચ કક્ષાની વાટાઘાટો ચાલી રહી છે.
ભારત અને ચીન વચ્ચેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ 4,057 કિમી લાંબી છે અને તે ગ્લેશિયર્સ, બરફનાં મેદાનો, પર્વતો અને નદીઓમાંથી પસાર થાય છે.
અગાઉ ઓગસ્ટ મહિનામાં ચીનની સેનાની એક ટૂકડી ડેમચોક વિસ્તારમાં 300 મીટર અંદર સુધી ઘુસી આવી હતી અને તેણે તંબુ પણ નાખી દીધા હતા. આ ઘુસણખોરી જુલાઈના પ્રથમ અઠવાડિયામાં અને ત્યાર બાદ પણ જોવા મળી હતી. જોકે, ત્યાર બાદ સ્થાનિક કમાન્ડર દ્વારા જ્યારે ચીનની સેનાને આ બાબતે જાણ કરવામાં આવી ત્યારે તેણે પાંચમાંથી ચાર તંબુ ઉખાડી નાખ્યા હતા.
સુત્રોએ જણાવ્યું કે, આ પ્રકારની ઘુસણખોરી અસામાન્ય નથી અને આ પ્રકારની તમામ ઘટનાની ચીનના ઉચ્ચ કક્ષાના અધિકારીઓને જાણ કરવામાં આવે છે. ભારત અને ચીન વચ્ચે લગભગ 4,000 કિમી લાંબી સરહદ આવેલી છે.
આધિકારિક આંકડા મુજબ ભારતીય સરહદમાં ચીનની સેનાએ 2016માં 273 વખત અને 2017માં 426 વખત ઘુસણખોરી કરી હતી. તાજેતરની ઘુસણખોરી ભારત અને ચીનની સેના વચ્ચે 2017માં ડોકલામમાં સળંગ 73 દિવસ સુધી સામ-સામે આવી ગયા બાદ થઈ છે. ડોકલામમાં બંને સેના 16 જુલાઈ, 2017ના રોજ સામ-સામે આવી ગઈ હતી અને તેઓ 28 ઓગસ્ટ, 2017ના રોજ પાછા ખસ્યા હતા. એ સમયે ચીને ભારત, ચીન અને ભુતાન વચ્ચેના વિવાદિત ત્રિકોણીય પર્વતીય વિસ્તારમાં ભારતીય સેનાને સડકનું નિર્માણ કરતાં અટકાવી હતી.
ભારત અને ચીન વચ્ચે 4,057 કિમી લાંબી લાઈન ઓફ કન્ટ્રોલ આવેલી છે, જેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલી છે. ઉત્તરી સરહદ, મધ્ય સરહદ અને પૂર્વીય સરહદ. જમ્મુ-કાશ્મીરથી શરૂ કરીને અરૂણાચલ પ્રદેશ સુધી બંને દેશની સરહદ સ્પર્શે છે. ભારત દ્વારા કેટલીક સરહદ પર જે પોતાનો દાવો કરાઈ રહ્યો છે તેને ચીન સ્વીકારતું ન હોવાને કારણે બંને દેશ વચ્ચે સરહદનો વિવાદ ચાલી રહ્યો છે.
એપ્રિલ, 2018માં ભારત અને ચીનના બે નેતાઓ વુહાન વિસ્તારમાં મળ્યા હતા, જ્યાં ભારતના વડા પ્રદાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે બિનઔપચારિક મુલાકાત થવાની હતી. એ સમયે બંને નેતાઓ દ્વારા સરહદનો વિવાદ વહેલી તકે ઉકેલવા માટે ભાર મુકાયો હતો.