નવી દિલ્હીઃ જો ભારતને 'કિલ્લાઓનો દેશ' કહેવામાં આવે તો તે ખોટું નહીં ગણાય, કારણકે પ્રાચીન સમયમાં રાજાઓએ એટલા કિલ્લા બનાવ્યા છે કે તમે ગણી-ગણીને કંટાળી જશો. ભારતમાં ભાગ્યે જ કોઈ એવું રાજ્ય હશે જ્યાં ઐતિહાસિક કિલ્લો ન હોય. આજે અમે તમને એવા કિલ્લા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને 'ભારતનો સૌથી મોટો કિલ્લો' કહેવામાં આવે છે. તેના નિર્માણની વાર્તા પણ મહાભારત કાળ સાથે સંકળાયેલી છે, જે કદાચ તમે ભાગ્યે જ જાણતા હશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કિલ્લાનું નામ ચિત્તોડગઢ છે, જે ભારતનો સૌથી મોટો કિલ્લો હોવાનું કહેવામાં આવે છે. આ કિલ્લો રાજસ્થાનના ચિત્તોડગઢમાં સ્થિત છે. ચિત્તોડગઢનાં આ કિલ્લાને રાજસ્થાનનું ગૌરવ અને રાજસ્થાનના તમામ કિલ્લાઓનું સિરમૌર પણ કહેવામાં આવે છે. 700 એકરમાં ફેલાયેલાં ચિત્તોડનાં કિલ્લાને વર્ષ 2013માં યુનેસ્કોએ વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કર્યો હતો.

આ કિલ્લા પર અલગ-અલગ સમયે ઘણા રાજાઓએ શાસન કર્યુ છે. આઠમી સદીમાં, ગુહિલ રાજવંશના સંસ્થાપક, રાજા બપ્પા રાવલે શાસન કર્યુ. જેમણે મૌર્ય રાજવંશના છેલ્લા શાસક માનમોરીને હરાવી અને આ કિલ્લો કબજે કર્યો. ત્યારબાદથી આ કિલ્લા પર પરમારોથી લઈને સોલંકીઓ સુધીના શાસકો શાસન કરતા રહ્યા. એવા ઘણા વિદેશી આક્રમણ પણ થયા, જેમની વાર્તાઓ ઈતિહાસમાં અમર છે.


લગભગ 180 મીટરની ઊંચાઈ પર સ્થિત આ કિલ્લામાં ઘણા ઐતિહાસિક સ્તંભો, સ્મારકો અને મંદિરો છે. વિજય સ્તંભ ઉપરાંત, અહીં 75 ફૂટ ઉંચો જૈન કીર્તિ સ્તંભ પણ છે, જે 14મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. નજીકમાં મહાવીર સ્વામીનું મંદિર છે. તેનાથી થોડું આગળ નીલકંઠ મહાદેવનું મંદિર છે, જેના વિશે એવું કહેવામાં આવે છે કે મહાદેવની આ વિશાળ મૂર્તિને ભીમ પોતાની ભુજાઓમાં રાખતો હતો.


આ વિશાળ કિલ્લામાં પ્રવેશવા માટે સાત દરવાજા બનાવવામાં આવેલા છે. આ સાતેય દરવાજાને પાર કર્યા પછી જ કોઈ વ્યક્તિ કિલ્લાની અંદર પ્રવેશી શકે છે. આ સાત દરવાજાનાં નામો છે- પાડણ પોલ, ભૈરવ પોલ, હનુમાન પોલ, ગણેશ પોલ, જોડલા પોલ, લક્ષ્મણ પોલ અને રામ પોલ. પ્રથમ દરવાજા વિશે એવું કહેવામાં આવે છે કે એકવાર ભયંકર યુદ્ધનાં કારણે લોહીની નદી વહેવા માંડી, જેમાં એક પાડો (ભેંસ) પણ વહેતો આવ્યો. તેથી જ આ દ્વારને પાડણ પોલ નામ આપવામાં આવ્યું હતું. અહીં બનાવેલા દરેક દરવાજાની એક અલગ જ વાર્તા છે.


એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં ચિત્તોડગઢ કિલ્લામાં એક લાખથી વધુ લોકો રહેતા હતા. જેમાં રાજાઓ અને રાણીઓથી માંડીને દાસ-દાસીઓ અને સૈનિકોનો સમાવેશ થાય છે. આ મહાન કિલ્લાને મહિલાઓનાં મુખ્ય જૌહર સ્થળ તરીકે પણ માનવામાં આવે છે. રાજા રતન સિંહના શાસનકાળ દરમિયાન અલાઉદ્દીન ખિલજીના આક્રમણ દરમિયાન 13મી સદીમાં અહીં રાણી પદ્મિનીનાં નેતૃત્વમાં પ્રથમ જૌહર થયો હતો. એવું કહેવામાં આવે છે કે રાણી પદ્મિની અને તેની સાથે 16 હજાર દાસીઓએ વિજય સ્તંભ નજીક જીવંત અગ્નિ સમાધિ લીધી હતી. આ ઉપરાંત, 16મી સદીમાં, મહારાણી કર્ણાવતીએ 13 હજાર દાસીઓ સાથે જૌહરને કર્યુ હતું. ત્યાર પછીનાં થોડા વર્ષો બાદ રાણી ફુલકંવરે હજારો મહિલાઓ સાથે જૌહરનું કર્યુ હતું.


જોકે આ કિલ્લો કોણે અને ક્યારે બનાવ્યો તે વિશે કોઈ સચોટ માહિતી નથી. પરંતુ કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે ચિત્તોડગઢનો કિલ્લો મૌર્ય વંશનાં રાજા ચિત્રાંગદ મૌર્યએ સાતમી સદીમાં બનાવ્યો હતો. તેના નિર્માણ વિશેની એક વાર્તા પણ છે કે જેનું નિર્માણ મહાભારત કાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. દંતકથા અનુસાર, એકવાર જ્યારે ભીમ સંપત્તિની શોધમાં નીકળ્યો હતો, ત્યારે તે માર્ગમાં એક યોગીને મળ્યો. ભીમે તેની પાસે એક ચમત્કારિક પારસ પથ્થરની માંગ કરી. જેના જવાબમાં યોગીએ કહ્યું કે, હું તમને પારસ પથ્થર આપીશે, પરંતુ તેની સામે તમારે (ભીમે) ડુંગર પર રાતોરાત એક કિલ્લો બનાવવો પડશે. આ વાત સાથે સંમત થઈ ભીમે પોતાના ભાઈઓ સાથે મળીને કિલ્લો બનાવવાનું શરૂ કર્યું.


તેમનું કામ પૂર્ણ થવાને આરે જ હતું. કિલ્લાની દક્ષિણ તરફ થોડુંક કામ બાકી હતું. કિલ્લાનું ઝડપી નિર્માણ જોઈને યોગી ચિંતિત થઈ ગયા, કારણકે નિર્માણ પૂરુ થયા બાદ તેમણે ભીમને પારસ પથ્થર આપવાનો હતો. પથ્થર આપવાની વાતને અવગણવા માટે યોગીએ કોઈ ઉપાય વિચાર્યો. યોગીએ પોતાની સાથે રહેતા કુકડેશ્વર નામના યતિ પાસે કૂકડા જેવી બાંગ પોકારાવી, જેથી ભીમ સમજી જાય કે સવાર પડી ગઈ છે. કુકડેશ્વરે પણ યોગીનાં જણાવ્યા મુજબ જ કર્યુ. કૂકડાની બાંગ સાંભળીને ભીમ ગુસ્સે થયો અને તેણે જમીન પર જોરદાર લાત મારી. જેના કારણે ત્યાં એક મોટો ખાડો પડી ગયો. આજે લોકો આ ખાડાને લાત-લતાબનાં નામે ઓળખે છે.