દહેરાદુનઃ શહેરની એક સ્કૂલની ધોરણ-10ની છાત્રા પર સ્કૂલના જ ચાર વિદ્યાર્થીઓ દ્વારા સામુહિક બળાત્કારની ઘટના બહાર આવી છે. ઘટના 14 ઓગસ્ટના રોજની છે, પરંતુ તાજેતરમાં જ પોલીસને મળેલી કેટલીક કડીઓ બાદ બહાર આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બળાત્કારનો ભોગ બન્યા બાદ 16 વર્ષની સગીર પીડિતાએ તેની મોટી બહેનને આ ઘટનાની જાણ કરી હતી, જે એ જ શાળામાં અભ્યાસ કરે છે. ઘટનાના થોડા દિવસ બાદ જ તે માંદી પડી હતી અને તપાસમાં જાણવા મળ્યું કે, તે ગર્ભવતી છે. 


આ જાણ્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટ, જેમાં પ્રિન્સિપાલ, તેમનાં પત્ની અને હોસ્ટેલના કેરટેકરનો સમાવેશ થાય છે, તેમણે સૌથી પહેલા તો બળાત્કાર જે સ્થળે થયો હતો એ સ્થળના તમામ પુરાવાઓનો નાશ કરી નાખ્યો હતો. ત્યાર બાદ તેમણે પીડિતાને ગર્ભપાત માટેની ગોળીઓ લેવા દબાણ કર્યું હતું અને આ રીતે તેનો ગર્ભપાત કરાવી નાખ્યો હતો. પીડિતાને ચૂપ રહેવા માટે ધાક-ધમકી પણ આપવામાં આવી હતી. 


ગર્ભપાતની ઘટના બાદ ડરી ગયેલી અને હોસ્ટેલમાં રહેતી બંને બહેનોએ તેમનાં માતા-પિતાને ઘટનાની જાણ કરી હતી. 


કાયદો અને વ્યવસ્થા જોતાં દહેરાદુનના એડિશનલ ડિરેક્ટરે આ બાબતે જણાવ્યું કે, 'આ એક મહિના પહેલાંની ઘટના છે અને તાજેતરમાં જ બહાર આવી છે. આ સ્કૂલ દ્વારા સમગ્ર ઘટનાને ઢાંકી દેવાનો પ્રયાસ કરાયો હતો. ઘટના માટે 9 લોકોની ધરપકડ કરાઈ છે જેમાં પાંચ વ્યક્તિ સ્કૂલનો સ્ટાફ છે અને બળાત્કાર કરનારા ચાર વિદ્યાર્થીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પર યોગ્ય પગલાં લેવાશે.'


બળાત્કારના આરોપી ચારેય વિદ્યાર્થીઓ 17 વર્ષથી ઓછી ઉંમરના છે અને તેઓ સિનિયર ક્લાસમાં ભણે છે. 


પોલીસે બળાત્કારના ઘટનાસ્થળના પુરાવાનો નાશ કરવા બદલ સ્કૂલના સ્ટાફના 5 સભ્યો, જેમાં પ્રિન્સિપાલ, વહિવટકર્તા અને હોસ્ટેલની કેરટેકરનો પણ સમાવેશ થાય છે, તેમની ધરપકડ કરી લીધી છે.


તાજેતરમાં જ રેવાડીમાં એક 19 વર્ષની યુવતીનું અપહરણ કરીને તેના પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના કનિણા ગામમાં ઘટી હતી.