નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવતા સભ્યોની શ્રેણીમાં ચાર લોકોના નામ પર મંજૂરી આપી દીધી છે. જેમાં ક્લાસિકલ ડાન્સર સોનલ માનસિંહ, લેખક અને કોલમિસ્ટ રાકેશ સિંહા, ખેડૂત નેતા રામ સકલ અને મૂર્તિકાર રઘુનાથ મહાપાત્રા સામેલ છે. હાલમાં જ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર અને અભિનેત્રી રેખા સહિત ચાર નોમિનેટેડ સાંસદોનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યાં મુજબ બંધારણની કલમ 80 મુજબ અપાયેલી શક્તિનો ઉપયોગ કરીને તથા વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ આ ચાર લોકોને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. રાકેશ સિંહાની વાત કરીએ તો તેઓ સંઘ વિચારક છે અને મીડિયા તથા સોશિયલ મીડિયા મંચો પર ભાજપ અને સંઘનો પક્ષ નીડર થઈને રજુ કરવા માટે જાણીતા છે. દિલ્હી સ્થિત વિચાર સમૂહ ઈન્ડિયા પોલીસી ફાઉન્ડેશનના સંસ્થાપક અને માનદ ડાઈરેક્ટર છે. તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં મોતીલાલ નહેરુ કોલેજમાં પ્રોફેસર અને ભારતીય સામાજિક વિજ્ઞાન શોધ સંસ્થાનના સભ્ય છે. નિયમિત રીતે અખબારોમાં લેખ લખે છે. 



જ્યારે સોનલ માનસિંહ જાણીતા ક્લાસિકલ ડાન્સર છે. તેઓ ભરતનાટ્યમ અને ઓડિસી નૃત્યાંગના છે. તેમને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, સંગીત નાટક અકાદમી અને તમામ પુરસ્કારોથી નવાજેલા છે. રઘુનાથ મહાપાત્રા ઓડિશી વ્યક્તિત્વ છે. તેમને પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ પ્રાપ્ત છે. મહાપાત્રા જાણીતા મૂર્તિકાર પણ છે. મહાપાત્રનું પારંપરિક સ્થાપત્ય અને ધરોહરોના સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમણે જગન્નાથ મંદિર, પૂરીના સૌંદર્યકરણ કાર્યમાં ભાગ લીધો. તેમના પ્રસિદ્ધ કાર્યોમાં છ ફૂટ લાંબા ભગવાન સૂર્યની સંસદની સેન્ટ્રલ હોલમાં સ્થિત પ્રતિમા અને પેરિસમાં બુદ્ધ મંદિરમાં લાકડીના બુદ્ધની પ્રતિમા છે. 


રામ સકલ ખેડૂત નેતા  તરીકે જાણીતા છે. ઉત્તર પ્રદેશના રામ સકલ સિંહે દલિત સમુદાયના કલ્યાણ માટે કામ કરેલુ છે. એક ખેડૂત નેતા તરીકે તેમણે ખેડૂતો, શ્રમિકોના કલ્યાણ માટે કામ કર્યું. તેઓ ત્રણવાર સાંસદ રહી ચૂક્યા છે અને ઉત્તર પ્રદેશના રોબર્ટ્સગંજનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.