નવી દિલ્હીઃ સીસીટીવી કેમેરા લગાવવા પર દિલ્હી સરકાર અને ઉપ-રાજ્યપાલ વચ્ચે શરૂ થયેલો જંગ હવે રોડ પર પહોંચી ગયો છે. આ મુદ્દાને લઈને મુખ્યપ્રધાન પોતાની કેબિનેટની સાથે ઉપ-રાજ્યપાલને મળતા તેમના ઘરે પહોંચ્યા તો સુરક્ષાજવાનોએ તેમને આવાસમાં જવા ન દીધા. તેના પર અરવિંદ કેજરીવાલ પોતાના સાથીઓની સાથે એલજી આવાસની બહાર ધરણા પર બેસી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપરાજ્યપાલ અનિલ બૈજલના કાર્યાલય પર તૈનાત પોલીસ અધિકારીઓએ જ્યારે મુખ્યપ્રધાનને કહ્યું કે, તે અને તેમના મંત્રી ઉપરાજ્યપાલને મળી શકે છે પરંતુ આપ ધારાસભ્યોને તેમની સાથે જવાની મંજૂરી મળશે નહીં, ત્યારબાદ કેજરીવાલ અને તેના સહયોગી ધરણા પર બેસી ગયા હતા. ધરણા પર બેસેલા નેતાઓએ મહાત્મા ગાંધીનું લોકપ્રિય ભજન ગાયું અને ઉપરાજ્યપાલને સદબુદ્ધિ આપવાની કામના કરી હતી. 



ધરણા પર બેસતા પહેલા આપ નેતાઓએ મુખ્યપ્રધાનના સિવિલ લાઇન સ્થિત આવાસથી બપોરે ત્રણ કલાકે પોલીસ સુરક્ષા વચ્ચે માર્ચ શરૂ કરી. બે કિલોમીટર લાંબી માર્ચ દરમિયાન કેજરીવાલ, મંત્રીઓ અને ધારાસભ્યોએ ઉપરાજ્યપાલ અને ભાજપ વિરુદ્ધ નારેબાજી કરી હતી. 


પ્રદર્શન પહેલા મુખ્યપ્રધાને ભાજપ પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે, તેની ઈચ્છા નથી કે સીસીટીવી પરિયોજના લાગુ કરવામાં આવે તેથી ઉપરાજ્યપાલ અનિલ બૈજલના માધ્યમથી રોકવામાં આવી રહી છે. ધરણા પર બેઠેલા મુખ્યપ્રધાને કહ્યું કે, ધારાસભ્યોને મળવાની ના પાડવા પર ઉપરાજ્યપાલે દિલ્હીની જનતાનું અપમાન કર્યું છે. 



આમ આદમી પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓની સુરક્ષા માટે મહાનગરમાં આછામાં ઓછા 10 લાખ સીસીટીવી કેમેરા લગાવવાનું વચન આપ્યું હતું. કેજરીવાલે કહ્યું કે, ઉપરાજ્યપાલ દ્વારા બનાવેલી સમિતિ ખતરનાક છે. સમિતિની રચના સીસીટીવી પરિયોજનાને રોકવા માટે કરવામાં આવ્યું છે.