રાજ્યપાલને મળ્યા બાદ બોલ્યા કમલનાથ, અમારી પાસે બહુમત તો કેવો ફ્લોર ટેસ્ટ, જેને શંકા હોય તે લાવે અવિશ્વાસ પ્રસ્તાવ
કોંગ્રેસ ધારાસભ્યોના બળવા બાદથી મધ્ય પ્રદેશના રાજકીય ઘટનાક્રમમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યાં છે. રાજ્યપાલ લાલજી ટંડને જ્યાં મુખ્યપ્રધાન કમલનાથને 17 માર્ચે બહુમત સાબિત કરવાનું કહ્યું છે, તો સીએમ કહી રહ્યાં છે કે તેમની પાસે આંકડો છે તો ફ્લોર ટેસ્ટનો સવાલ ક્યાં ઊભો થાય છે.
ભોપાલઃ કોંગ્રેસ ધારાસભ્યોના બળવા બાદથી મધ્ય પ્રદેશના રાજકીય ઘટનાક્રમમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યાં છે. રાજ્યપાલ લાલજી ટંડને જ્યાં મુખ્યપ્રધાન કમલનાથને 17 માર્ચે બહુમત સાબિત કરવાનું કહ્યું છે, તો સીએમ કહી રહ્યાં છે કે તેમની પાસે આંકડો છે તો ફ્લોર ટેસ્ટનો સવાલ ક્યાં ઊભો થાય છે. હાં, ભાજપ ઈચ્છે તો અવિશ્વાસ પ્રસ્તાવ જરૂર લાવે. એક તરફ ફ્લોર ટેસ્ટનો મુદ્દો મુખ્યપ્રધાન અને રાજ્યપાલ વચ્ચે ટકરાવનો વિષય બની રહ્યો છે તો બીજીતરફ ભાજપે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. જલદી ફ્લોર ટેસ્ટની માગ કરનારી શિવરાજ સિંહ ચૌહાણની અરજી પર 17 માર્ચે સુનાવણી થવાની છે એટલે કે મંગળવારના દિવસે ભોપાલથી લઈને દિલ્હી સુધી રાજકીય હલચલ થવાની છે.
કમલનાથે કહ્યું- મારે ફ્લોર ટેસ્ટ કેમ આપવી
17 માર્ચે બહુમત પરીક્ષણ કરવા સાથે જોડાયેલો રાજ્યપાલનો પત્ર મળ્યાના થોડા સમય બાદ કમલનાથ ખુદ રાજભવન પહોંચ્યા હતા. રાજ્યપાલ સાથે મુલાકાત બાદ તેમના જે તેવર જોવા મળ્યા, તેનાથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે સરકાર રાજ્યપાલના આદેશને ફરી હવામાં ઉડાવી દેશે. કમલનાથે દાવો કર્યો કે, તેમની સરકારની પાસે આજે પણ જરૂરી નંબર છે તો ફ્લોર ટેસ્ટ કેમ આપવો. તેમણે કહ્યું, 'જો કોઈ તે ઈચ્છે છે કે અમારી પાસે નંબર નથી તો તે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. મારે ફ્લોર ટેસ્ટ કેમ આપવો? 16 ધારાસભ્યો (કોંગ્રેસના બળવાખોર જેના રાજીનામાં હજુ મંજૂર થયા નથી)ની સાથે શું સમસ્યા છે? તેમણે સામે આવવું જોઈએ અને પોતાની વાત રાખવી જોઈએ.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube