LPG Price Hike: તહેવારો પહેલા મોટો ઝટકો, રાંધણ ગેસના બાટલાના ભાવમાં તોતિંગ વધારો, જાણો લેટેસ્ટ રેટ
ઓક્ટોબર મહિનો શરૂ થયો અને પહેલા જ દિવસે લોકોને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલેન્ડરના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે.
તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલા જ ઓક્ટોબર મહિનાના પહેલા જ દિવસે લોકોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો ઝીંક્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 48.5 રૂપિયા સુધી વધ્યા છે. નવા ભાવ મંગળવાર એટલે કે પહેલી ઓક્ટોબર સવારથી જ લાગૂ થઈ ચૂક્યા છે. આ વધારા બાદ હવે દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ 1740 રૂપિયા સુધી પહોંચ્યો છે.
આ અગાઉ 1 સપ્ટેમ્બરે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયાનો વધારો કર્યો હતો. જ્યારે પહેલી જુલાઈએ ભાવમાં ઘટાડો થયો હતો અને તે વખતે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયા ઘટ્યા હતા.
ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ
જો કે આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફક્ત 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. પરંતુ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ 803 રૂપિયા છે જ્યારે કોલકાતામાં 14 કિલોગ્રામવાળો સિલિન્ડરનો ભાવ 829 રૂપિયા છે. મુંબઈમાં એલપીજીનો ભાવ 802.5 રૂપિયા અને ચેન્નાઈમાં 918.5 રૂપિયા છે.
મેટ્રો શહેરોમાં ભાવ
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 48.5 રૂપિયાનો વધારો ઝીંક્યા બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને 1740 રૂપિયા થયો છે. જ્યારે મુંબઈમાં 19 કિલોગ્રામવાળો એલપીજીનો બાટલો 1644 રૂપિયાથી વધીને હવે 1692.50, કોલકાતામાં 1850.50 રૂપિયા ભાવ અને ચેન્નાઈમાં 1903 રૂપિયા થઈ ગયો છે.
1 જુલાઈ બાદ સતત વધી રહ્યા છે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ
ATF ના ભાવમાં કાપ, સસ્તી થઈ શકે વિમાન યાત્રા
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એવિએશન ટર્બાઈન ફ્યૂલ (ATF)ના ભાવમાં ઘટાડો કર્યો છે અને તેના ભાવમાં 5,883 રૂપિયા પ્રતિ કિલોલીટરનો કાપ આવ્યો છે. એટીએફના નવા દર આજથી લાગૂ થયા છે. એટીએફના ભાવમાં ઘટાડા બાદ હવે હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે. જો કે તે એરલાઈન્સ પર નિર્ભર કરે છે કે તે ઓઈલના ભાવમાં કાપનો ફાયદો મુસાફરોને આપે છે કે નહીં.