‘Me Too અર્બન નક્સલ’ લખેલી તખ્તી પહેરવા બદલ ગિરીશ કર્નાડ વિરુદ્ધ ફરિયાદ
કર્નાડે નક્સલવાદ અને હિંસક ગતિવિધિઓને પ્રચારિત કરવા ઉપરાંત ઉત્તેજન આપ્યું હોવાનાં દાવા સાથે વકીલે દાખલ કરાવી ફરિયાદ
બેંગ્લુરૂ : પત્રકાર-કાર્યકર્તા ગૌરી લંકેશની પહેલી વરસી પ્રસંગે શહેરની ફાઇવ સ્ટાર હોટલમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન જાણીતા નાટ્યકાર અને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત ગિરીશ કર્નાડે મી ટૂ અર્બન નક્સલ ( હું પણ નક્સલી) લખેલી એક તખ્તી લેવાનાં વિરોધમાં એક વકીલે શુક્રવારે ફરિયાદ દાખલ કરાવી.
પોતાની ફરિયાદમાં વકીલ અમૃતેશ એન.પીએ કહ્યું કે, કર્નાડને ગળામાં એક તખ્તી સાથે જોવાયા હતા. જેનાં દ્વારા તેઓ પોતાને શહેરી નક્સલવાદી હોવાનું કહી રહ્યા છે. પોતાની ફરિયાદમાં તેમણે કહ્યું કે, શહેરી નક્સલવાદી તે છે જે રાષ્ટ્રની વિરુદ્ધ વિદ્રોહ ફેલાવી રહ્યા છે. તેમણે કર્નાડની તુરંત જ ધરપકડ કરવા માટેની માંગ કરી હતી.
વકીલે કહ્યું કે આ પ્રકારની તખ્તી ધારણ કરીને કર્નાડે નક્સલવાદની હિંસક અને ગુનાહિત ગતિવિધિઓને પ્રચારિત કરવા અને ઉત્તેજન કરવા માટેનો પ્રયાસ કર્યો છે. અમૃતેશે કહ્યું કે, કોઇ કઇ રીતે એક પ્રતિબંધિત સંગઠનનું બેનર ધારણ કરી શકે છે અને તેનું સમર્થન કરી શકે છે. વિધાન સૌધ (રાજ્ય સચિવાલય)ની પોલીસે કહ્યું કે, તેમની ફરિયાદ હલાસુરુ ગેટ પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવી છે. ઘટના તે પોલીસ સ્ટેશનની અંતર્ગત થઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે ગૌરી લંકેશના ઘરની બહાર આયોજીત એક કાર્યક્રમમાં કર્નાડે ઘણા અન્ય કાર્યકર્તાઓની સાથે ભાગ લીધો હતો. તેમાં ભાગ લેનારા લોકોમાં માઓવાદીઓ સાથે સંબંધ હોવાનાં આરોપમાં સમગ્ર દેશમાં પાંચ કાર્યકર્તાઓને તેમના ઘરમાં નજરકેદ કરવાનાં વિરોધમાં પ્રદર્શન પણ કર્યું હતું.