મહારાષ્ટ્રના પુણેથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પિંપરી ચિંચવાડમાં એક પ્રમુખ ઓટો કંપનીને સપ્લાય કરવામાં આવેલા સમોસામાંથી કથિત રીતે કોન્ડોમ, ગુટખા અને પથ્થર મળી આવ્યા હોવાનું કહેવાય છે. આ મામલે પાંચ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે જે લોકો વિરુદ્ધ કેસ થયો છે તેમાં સબકોન્ટ્રાક્ટિંગ ફર્મના બે કર્મચારીઓ પણ સામેલ છે. જેમને સમોસા સપ્લાય કરવાનું કહેવાયું હતું. બાકીના 3 આરોપીઓ પણ એવી જ એક ફર્મના પાર્ટનર હતા જેમને પહેલા ભેળસેળના આરોપમાં હટાવવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓટોમોબાઈલ ફર્મની કેન્ટિનમાં ખાણી પીણીનો સામાન સપ્લાય કરવાની જવાબદારી કેટલિસ્ટ સર્વિસ સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડની હતી. કેટલિસ્ટ સર્વિસે ઓટો ફર્મમાં સમોસા સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મનોહર એન્ટરપ્રાઈસ નામની કંપનીને આપ્યો હતો. તેમણે જણાવ્યું કે શનિવારે ઓટો ફર્મના કેટલાક કર્મચારીઓએ સમોસામાં કોન્ડોમ, ગુટખા, પથ્થરા મળ્યા હોવાની ફરિયાદ કરી હતી. ચિખલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે મનોહર એન્ટરપ્રાઈસીસના કર્મચારીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે ફિરોઝ શેખ અને વિક્કી શેખ નામના બે કર્મચારીઓએ કથિત રીતે સમોસામાં કોન્ડોમ, ગુટખા વગેરે ભર્યું હતું. 


આ મામલે પોલીસે આઈપીસીની કલમ 328 અને કલમ 120 બી હેઠળ ગુનો દાખલ કર્યો છે. બંને આરોપીઓ ફિરોઝ અને વિક્કી એસઆરએ એન્ટરપ્રાઈસીસના કર્મચારી છે. તેમણે પૂછપરછમાં જણાવ્યું કે એસઆરએ એન્ટરપ્રાઈસીસના ત્રણ પાર્ટનરે તેમને મનોહર એન્ટરપ્રાઈસીસ તરફથી સપ્લાય કરવામાં આવનારા સમોસામાં ભેળસેળ કરવાનું કહ્યું હતું. હકીકતમાં પહેલા ઓટો ફર્મની  કેન્ટીનમાં ફૂડ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ એસઆરએ એન્ટરપ્રાઈસીસ પાસે જ હતો. પરંતુ તેમનો કોન્ટ્રાક્ટ ખતમ કરી દેવાયો કારણ કે તેમણે આપેલા નાશ્તામાં બેન્ડેજ મળી આવી હતી. કેટલિસ્ટ સર્વિસને બદનામ કરવાની દાનતથી આ હરકત કરવામાં આવી હોવાનું કહેવાયું હતું. 


પોલીસે જણાવ્યું કે એસઆરએ એન્ટરપ્રાઈસીસના પાર્ટનરની ઓળખ રહીમ શેખ, અઝહર શેખ, અને મઝહર શેખ તરીકે થઈ છે. આ ત્રણેય મનોહર એન્ટરપ્રાઈસીસની છબી ખરડવા માંગતા હતા. આ મામલે હાલ એક આરોપીની ધરપકડ થઈ છે અને તપાસ ચાલુ છે. 


Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube