Agusta Westland: વચેટિયાએ કહ્યું મોદી સરકારે સોનિયા ગાંધીનું નામ લેવા કર્યું દબાણ
વીવીઆઇપી હેલિકોપ્ટર ગોટાળા મુદ્દે ઇડીએ એક તરફ ચાર્જશીટ દાખલ કરી, જેમાંપૂર્વ વાયુસેના પ્રમુખ એસપી ત્યાગી સહિત ઘણા લોકોને આરોપી બનાવ્યા છે
નવી દિલ્હી : અગસ્તા વેસ્ટલેન્ડ મુદ્દે ઇડીએ કોર્ટમાં ફિનમેક્કે નિકાના પુર્વ પ્રમુખ જિયુસેપ્પે ઓરસી અને બ્રૂનોસ્પાગનોલિની સહિત પૂર્વ વાયુસેના પ્રમુખ એસપી ત્યાગીની વિરુદ્ધ પૂરક આરોપ પત્ર દાખલ કર્યો છે. આ મુદ્દે હવે 20 જુલાઇએ સુનવણી થશે. બીજી તરફ આ ગોટાળામાં વચેટીયા ક્રિશ્ચિયન મિશેલ જેમ્સને બે દિવસ પહેલા દુબઇમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. ભારતમાં જેમ્સના પ્રત્યાર્પણની તૈયારી ચાલુ કરી દીધી છે. હવે આ મુદ્દે કોંગ્રેસે મોદી સરકાર પર આકરો શાબ્દિક પ્રહાર કર્યો છે.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે, ક્રિશ્યિચન મિશેલ જેમ્સની દુબઇમાં ધરપકડ કરવામાં આવી ચુકી છે. જેમ્સના વકીલ રોજમૈરી પ્રટ્રિજીએ સ્પષ્ટ કહ્યું કે, મોદી સરકાર અને તેના સહયોગીઓએ ક્રિશ્ચિયન મિશેલ પર આ મુદ્દે સોનિયા ગાંધીનુ નામ લેવા માટે દબાણ કર્યું હતું. સુરજેવાલે કહ્યું કે, મોદી સરકારના ષડયંત્રના પત્તા હવે ધીરે ધીરે ખુલી રહ્યા છે.
તેમણે કહ્યું કે, આજનો દિવસ લોકશાહી માટે કાળો અધ્યાય છે. આજે થયેલા ખુલાસા બાદ દેશ વડાપ્રધાન મોદીને ક્યારે પણ માફ નહી કરે. જે કીચડ મોદીજીના નેતૃત્વ પર ઉછાળ્યું હતું તે હવે તેમની પર જ પડી રહ્યું છે.કોંગ્રેસે કહ્યું કે, મિશેલને સોનિયા ગાંધીનું નામ અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં લેવા માટે એક કાવત્રું રચવામાં આવ્યું હતું. જે હવે નિષ્ફળ થઇ ચુક્યું છે.
તેમણે આરોપ લગાવ્યો કે આ ઘટનાથી સાબિત થાય છે કે મોદી સરકાર સીબીઆઇ અને ઇડીનો ઉપયોગ પોતાના રાજનીતિક વિરોધીઓને બદનામ કરવા માટે કરી રહી છે, જ્યારે કોંગ્રેસ સરકારે તો આ કંપનીને બ્લેકલિસ્ટ કરી દેવાયું હતું.
પુર્વ સંરક્ષણ મંત્રી એકે એન્ટનીએ પણ અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં ગાંધી પરિવારમાં સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો હતો. એન્ટનીએ કહ્યું કે, તે કોંગ્રેસ પાર્ટી જ હતી જેણે અગસ્તા વેસ્ટલેન્ડ મુદ્દે તપાસ ચાલુ કરી હતી. તેમણે કહ્યું કે, ગાંધી પરિવાર વેસ્ટલેન્ડ મુદ્દે દુર દુર સુધી ક્યાંય પણ સંડોવાયેલો નથી. ભાજપ આ મુદ્દે માત્ર અફવાઓ ફેલાવી રહી છે.