નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન બહુજન સમાજ પાર્ટી (બીએસપી) દ્વારા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ રાજ્યમાં કોંગ્રેસના પ્રમુખ કમલનાથે આ માટે બીએસપી પર ઠીકરું ફોડ્યું છે. તેમણે કહ્યું કે બીએસપી જે સીટો માંગી રહી હતી ત્યાં તેમના જીતવાના ચાન્સ ખુબ જ ઓછા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમલનાથે કહ્યું કે બીએસપીએ સીટોની જે સૂચિ અમને આપી, ત્યાં તેમના જીતવાના કોઈ ચાન્સ નહતાં અને જે સીટો તેઓ જીતી શકતા હતાં તે તેમની સૂચિમાં હતાં જ નહીં. તેમણે કહ્યું કે જો કે બીએસપીના નિર્ણયથી કોંગ્રેસને કોઈ ફરક પડશે નહીં કારણ કે પાર્ટીનો ગ્રાઉન્ડ સ્તરે જનાધાર ખુબ મજબુત છે. તેમણે કહ્યું કે રાજ્યની જનતા સમજદાર છે અને તે જાણે છે કે કોને ચૂંટવાના છે. 


બીએસપીએ પકડી અલગ રાહ
બીએસપીએ બુધવારે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસથી અલગ રહીને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ અગાઉ તે છત્તીસગઢને લઈને પણ આવો જ નિર્ણય લઈ ચૂકી છે. કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાની જાહેરાત કરતા માયાવતીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કોંગ્રેસને અહંકાર થઈ ગયો છે કે તેઓ એકલા ચૂંટણી લડીને જીતી શકે છે. માયાવતીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પણ ભાજપની જેમ જ બીએસપીને ખતમ કરવા માટે કાવતરું ઘડી રહી છે. 


દિગ્વિજયને ગણાવ્યાં જવાબદાર
ગઠબંધન ન થવા બદલ તેમણે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહને જવાબદાર ઠેરવ્યાં. બીએસપી પ્રમુખે કહ્યું કે મને લાગે છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કોંગ્રેસ-બીએસપી ગઠબંધનને લઈને ઈમાનદાર છે પરંતુ કેટલાક કોંગ્રેસના નેતાઓ આમ ઈચ્છતા નથી. માયાવતીએ આ અવસરે વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ ઉપર પણ નિશાન સાધ્યું અને તેમને ભાજપના એજન્ટ ગણાવ્યાં. બીએસપી ચીફે કહ્યું કે દિગ્વિજય સિંહ  (જેઓ ભાજપના એજન્ટ છે) તેઓ નિવેદન આપી રહ્યાં છે કે મારા પર કેન્દ્ર તરફથી કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવા માટે ખુબ દબાણ કરાઈ રહ્યું છે.