અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સોનિયા ગાંધી, ખડગે, મનમોહન સિંહ, દેવગૌડાને પણ આમંત્રણ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને સોનિયા ગાંધીને પણ અયોધ્યામાં રામ મંદિરના નવા ભવનમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું છે. અયોધ્યામાં આ કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના રોજ થનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન હશે. તેઓ પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા કરશે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટ તરફથી સોનિયા ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા અધીરરંજન ચૌધરીને પણ આમંત્રણ અપાયું છે. જો કે કોંગ્રેસના નેતા આ સમારોહમાં ભાગ લેશે કે નહીં તે હજુ નક્કી નથી. સૂત્રોનું કહેવું છે કે વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓના સમારોહમાં સામેલ થવાની સંભાવના નથી.
મનમોહન સિંહ અને દેવગૌડાને પણ આમંત્રણ
સૂત્રોના જણાવ્યાં મુજબ ખડગે, સોનિયા ગાંધી અને ચૌધરીને વ્યક્તિગત રીતે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સમારોહ માટે પૂર્વ પ્રધાનમંત્રીઓ મનમોહન સિંહ, અને એચડી દેવગૌડાને પણ આમંત્રણ મળ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ટ્ર્સ્ટ સાથે જોડાયેલા લોકોના એક પ્રતિનિધિમંડળે નિમંત્રણ આપ્યું છે. આવનારા દિવસોમાં અન્ય વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવે તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube