બેંગ્લુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનમાં ફરી મતભેદો જોવા મળ્યાં છે. નાણાકીય વર્ષ 2018-19 માટે નવું પૂર્ણ બજેટ રજુ કરવા પર બંને પક્ષોના અલગ અલગ મત છે. કોંગ્રેસે કહ્યું કે નવા બજેટની જરૂરિયાત નથી અને તેની જગ્યાએ પૂરક બજેટ લાવવા પર ભાર મૂક્યો. જ્યારે જેડીએસએ કહ્યું કે નવી સરકારને આગળની દિશા નક્કી કરવા માટે નવા બજેટની જરૂર છે. નવા બજેટની તરફેણ કરતા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે તેઓ આ મુદ્દે સમાધાન માટે બહુ જલદી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ-જેડીએસ સમન્વય સમિતિના અધ્યક્ષ સિદ્ધારમૈયાએ નવા પૂર્ણ બજેટ રજુ કરવા પર આપત્તિ વ્યક્ત કરતા કહ્યું કે આવા કોઈ પગલાની જરૂર નથી. કોંગ્રેસ વિધાયક દળના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે થોડા મહિના પહેલા તેઓ મુખ્યમંત્રી હતાં ત્યારે બજેટ રજુ કરી ચૂક્યા છે. તેમણે કુમારસ્વામીને સલાહ આપી કે જો તેઓ કોઈ પ્રોજેક્ટ કે કાર્યક્રમ શરૂ કરવા ઈચ્છતા હોય તો તેઓ પૂરક બજેટ લાવી શકે છે. સિદ્ધારમૈયાના સૂચન પર પ્રતિક્રિયા આપતા દિલ્હીમાં કુમારસ્વામીએ કહ્યું કે નવી સરકારને લોકો સમક્ષ પોતાનો લક્ષ્ય પ્રદર્શિત કરવાનો હોય છે.


કુમારસ્વામીએ કહ્યું કે જ્યારે પણ નવી સરકાર સત્તામાં આવે છે ત્યારે તેણે દર્શાવવાનું હોય છે કે તેનો લક્ષ્યાંક શું છે. અમે પૂરક બજેટ લાવવા માંગતા નથી કારણ કે સરકાર સામે અનેક પડકારો છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસની સાથે સાથે જેડીએસએ પણ અનેક નવા કાર્યક્રમ શરૂ કરવાનું વચન આપ્યું છે. પૂરક બજેટ આ બધા માટે પૂરતું નથી.


કુમારસ્વામીએ સિદ્ધારમૈયાને તેમના ગત નિવેદન અંગે યાદ અપાવ્યું કે જો નવી સરકાર આવે તો નવું બજેટ રજુ થઈ શકે છે. તેમણે કહ્યું કે હાલ જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર છે. સામાન્ય રીતે જ્યારે નવી સરકાર સત્તામાં આવે છે ત્યારે તેનું કર્તવ્ય છે કે તે સારું બજેટ રજુ કરે અને લોકોને તે દ્વારા સંદેશો આપે.