આઈઝોલઃ મિઝોરમ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મિઝોરમ વિધાનસભાના અધ્યક્ષ હિફેઈએ સોમવારે પોતાના પદ, ગૃહ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે વિધાનસભાના ઉપાધ્યક્ષને રાજીનામું આપ્યું હતું, જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. હિફેઈએ કહ્યું કે, તેમણે સત્તામાં રહેલી કોંગ્રેસ પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું છે. તેઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનુભવી નેતા હિફેઈ 2013માં પલક વિધાનસભા સીટથી ચૂંટાઈને ગૃહમાં પહોંચ્યા હતા. પૂર્વોત્તરમાં મિઝોરમ એકમાત્ર કોંગ્રેસ શાસિત રાજ્ય છે. અહીં 28 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે. 


તમને જણાવી દઈએ કે મિઝોરમ તે પાંચ રાજ્યોમાંથી એક છે, જ્યાં આ મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 40 સભ્યોવાળી મિઝોરમ વિધાનસભા માટે 28 નવેમ્બરે મતદાન થશે. ભાજપ મિઝોરમમાં કોંગ્રેસ પાસેથી સત્તા છિનવવા માટે મેદાનમાં ઉતરી છે. ચૂંટણી પહેલા હિફેઈનું રાજીનામું કોંગ્રેસ માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. 



હિફેઈ પૂર્વોત્તરમાં ઈસાઈ જનજાતીય નેતા તરીકે જાણીતા છે. તમને ગણાવી દઈએ કે ગત સપ્તાહે હિફેઈ ગુવાહાટી ગયા હતા અને આસામના નાણાપ્રધાન હિમંતા બિસ્વા શર્મા સાથે મુલાકાત બાદ નવી દિલ્હી પણ ગયા હતા. જ્યાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ તે મિઝોરમ પહોંચ્યા અને કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો હતો. 


અત્યાર સુધી 5 ધારાસભ્યોએ છોડી પાર્ટી
નોર્થ ઈસ્ટમાં કોંગ્રેસ એકમાત્ર મિઝોરમમાં સત્તા પર છે. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ એક બાદ એક નેતા કોંગ્રેસ છોડી રહ્યાં છે, તેને જોઈને લાગી રહ્યું છે કે, મિઝોરમમાં પણ કોંગ્રેસની જમીન સરકી રહી છે. મિઝોરમમાં 28 નવેમ્બરે મતદાન થશે. તેવામાં મોટા નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે, તે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે. સોમવારે પાર્ટીના એક વરિષ્ઠ ધારાસભ્ય મિંગદાઈલોવા ખિયાંગતેએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. અત્યાર સુધી કુલ 5 ધારાસભ્યો પાર્ટી છોડી ચુક્યા છે.