નવજોત સિંહ સિદ્ધુએ આપ્યો નવો નારો, બુરે દિન જાનેવાલે હે, રાહુલ ગાંધી આનેવાલે હૈ...
તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે હૈદરાબાદ પહોંચેલા પંજાબના મંત્રી સિદ્ધુએ નવુ સુત્ર આપ્યું હતું
હૈદરાબાદ : તેલંગાણા વિધાનસભા ચુંટણીમાં પ્રચાર માટે હૈદરાબાદ પહોંચેલા પંજાબના મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ નવો નારો આપ્યો છે. સિદ્ધુએ કહ્યું કે, અમે રાહુલ ગાંધીના સિપાહી છીએ, મારો નારો છે કે ખરાબ દિવસો જવાનાં છે અને રાહુલ ગાંધી આવવાનાં છે. (बुरे दिन जाने वाले हैं और राहुल गांधी आने वाले हैं). લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવાનાં છે, કોઇ રોકી શકે તો રોકો. સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાતચીતમાં સિદ્ધુએ તેમની પાકિસ્તાન યાત્રાના વિવાદ અંગે કહ્યું કે, જ્યારે હું પાકિસ્તાન ગયો હતો અને ત્યાંથી પરત કરતારપુર કોરિડોરની વાત કરી હતી ત્યારે લોકોએ મારી મજાક ઉડાવી હતી. હવે તે જ લોકો પોતાનાં નિવેદનો બદલીને યુટર્ન લઇ રહ્યા છે અને પોતાને ખોટા ઠેરવી રહ્યા છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મનાઇ કરી હોવા છતા પાકિસ્તાન જવાનાં સવાલ અંગે સિદ્ધુએ કહ્યું કે, પંજાબના મુખ્યમંત્રીએ મને પાકિસ્તાન જવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ 20 અન્ય કોંગ્રેસીઓએ મને જવા માટે જણાવ્યું હતું. પંજાબના મુખ્યમંત્રી મારા પિતા સમાન છે. હું તેમને પહેલા જ કહી ચુક્યો હતો કે હું પાકિસ્તાન જઇશ.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનનાં શપથગ્રહણ સમારંભમાં નવજોત સિંહ સિદ્ધુ ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેમણે કરતારપુર કોરિડોરની વાત કરી હતી. હવે બંન્ને દેશો કરતારપુર કોરિડોર ખોલવા માટે તૈયાર થઇ ચુક્યા છે. જેમાં પાકિસ્તાન દ્વારા આયોજીત કાર્યક્રમમાં સિદ્ધુ ગયા હતા. તે ઉપરાંત સિદ્ધુએ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ બાજવા સાથે ગળે પણ મળ્યા હતા.
આ અંગે કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી હરસિમરત કૌરે ગુરૂવારે પંજાબના મંત્રી અને પુર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુને પાકિસ્તાનનાં એજન્ટ ગણઆવી દીધા. કૌરે સિદ્ધું પર નિશાન સાધતા કહ્યું કે, જે પાકિસ્તાની જનરલ કમર જાવેદ બાજવાએ અમારા જવાનોની હત્યા કરી. સિદ્ધું તેને ગળે મળી રહ્યા છે. સિદ્ધુએ જનરલ સાથે ત્રણ દિવસ પાકિસ્તાનમાં વિતાવ્યા. બુધવારે પાકિસ્તાનમાં કરતારપુર સાહેબ કોરિડોરની આધારશિલા પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં પાકિસ્તાન આર્મી ચીફ બાજવાને ગળે લગાવ્યા હતા.