VIDEO: કોંગ્રેસે પીએમ મોદીની સરખામણી મહાભારતના પાત્ર ધૃતરાષ્ટ્ર સાથે કરી, જાણો કેમ?
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વિવાદાસ્પદ શબ્દોનો પ્રયોગ કર્યો છે.
નવી દિલ્હી: કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વિવાદાસ્પદ શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ધૃતરાષ્ટ્ર સાથે કરી છે. ઉત્તર પ્રદેશના આઝમગઢમાં પીએમ મોદીએ આપેલા ભાષણ પર પલટવાર કરતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે હારના ડરથી કંટ્રોલ ગુમાવી દીધો છે. પરસેવો લૂછી લૂછીને સમાજમાં નફરત અને ભાગલાનું ઝેર ઘોળતા જોવા મળ્યાં. સત્ય તો એ છે કે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી સાથે બદલાની આગમાં તેઓ ધૃતરાષ્ટ્રની જેમ આંધળા થઈ ચૂક્યા છે.
રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે હારના ડરથી તેમણે કંટ્રોલ ગુમાવી બેઠેલા મોદીજી આજે પરસેવો લૂંછતા લૂંછતા સમાજમાં નફરત અને ભાગલાનું ઝેર ઘોળતા જોવા મળ્યાં. સત્ય તો એ છે કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સાથે બદલો લેવાની આગમાં તેઓ ધૃતરાષ્ટ્રની જેમ આંધળા થઈ ગયા છે. જુમલાઓની હોડીમાં સવાર જુઠ્ઠાણાઓના સરદાર પીએમ પદની મર્યાદાને ત્યાગીને ગુમરાહ કરી રહ્યાં છે.
અત્રે જણાવવાનું કે આઝમગઢની જનસભામાં પીએમ મોદીએ રાહુલ ગાંધીના મુસ્લિમ સમુદાયની સાથે બેઠકને લઈને કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમણે કહ્યું કે કોંગ્રેસના નામદાર કહી રહ્યાં છે કે તેમની પાર્ટી મુસલમાનોની છે. આ અગાઉ મનમોહન સિંહ કહી ચૂક્યા હતાં કે દેશના સંસાધનો ઉપર પહેલો હક મુસલમાનોનો છે. પરંતુ કોંગ્રેસ એ જણાવે કે તેમની પાર્ટી મુસ્લિમ પુરુષોની છે કે પછી મુસ્લિમ મહિલાઓની પણ છે?
સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા જ પીએમ મોદીએ ટ્રિપલ તલાક સંબંધિત બિલમાં થતી વારને લઈને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે આ પાર્ટી ફક્ત મુસ્લિમ પુરુષોની પાર્ટી છે, મહિલાઓની નહીં. મોદીએ અહીં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પરિયોજનાના શિલાન્યાસ કર્યા બાદ જનસભામાં કહ્યું કે મે અખબારમાં વાંચ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. છેલ્લા બે દિવસથી ચર્ચા ચાલી રહી છે. મને આશ્ચર્ય નથી થતું કારણ કે જ્યારે મનમોહન સિંહની સરકાર હતી ત્યારે તેમણે સ્વયં કહ્યું હતું કે દેશના પ્રાકૃતિ સંસાધનો પર સૌથી પહેલો હક મુસલમાનોનો છે.