કોંગ્રેસી નેતા ખુર્શીદે કહ્યું, `1994માં વાજપેયીજી અમારા કેપ્ટન હતાં`, જાણો કેમ
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે આજે નેતાઓએ દિવંગત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સૌથી મહત્વપૂર્ણ વાત એ શીખવી જોઈએ કે ઉદાર વિચારસરણી શું હોય છે.
નવી દિલ્હી: કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે આજે નેતાઓએ દિવંગત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સૌથી મહત્વપૂર્ણ વાત એ શીખવી જોઈએ કે ઉદાર વિચારસરણી શું હોય છે. લગભગ 25 વર્ષ પહેલા સયુંક્ત રાષ્ટ્રમાં કાશ્મીર પર ભારતનો પક્ષ રજુ કરનારા ભારતીય પ્રતિનિધિમંડળમાં વાજપેયી સાથે સામેલ રહેલા ખુર્શીદે કહ્યું કે વાજપેયીના જવાથી સમાવેશી વિચાર અને એકબીજાના સન્માનવાળા રાજકારણના યુગનો અંત આવી ગયો છે. ખુર્શીદે કહ્યું કે વાજપેયીજી જે રીતે વ્યાપક વિચાર અને એકબીજાનું સન્માન કરવાનું રાજકારણ રમતા હતાં તે એક અલગ યુગ હતો. આજનો યુગ અલગ છે. તેમના જવાથી તે યુગનો અંત આવી ગયો.
તેમણે કહ્યું કે આજના નેતાઓ તેમની પાસેથી ઘણુ શીખી શકે છે. નેતા કેવો હોવો જોઈએ, ઉદાર વિચારસરણી શું હોય છે, દેશની વાસ્તવિક જરૂરિયાત શું છે, તેમની પાસેથી શિખવું જોઈએ. હકીકતમાં 27 ફેબ્રુઆરી 1994ના રોજ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં ઈસ્લામી દેશોના સમૂહ ઓઆઈસી દ્વારા પ્રસ્તાવ રજુ કર્યો. તેણે કાશ્મીરમાં થઈ રહેલા કથિત માનવાધિકાર ભંગને લઈને ભારતની ટીકા કરી. સંકટ એ હતું કે જો આ પ્રસ્તાવ પાસ થઈ જાત તો ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના આકરા આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડત.
આ હાલાતમાં ભારત સરકાર તરફથી વાજપેયીએ ભારતીય પ્રતિનિધિમંડળનું ખુબ સરસ રીતે પ્રતિનિધિત્વ કર્યુ હતું અને પાકિસ્તાનને નિષ્ફળતા મળી. તે પ્રતિનિધિમંડળમાં વાજપેયી સાથે કામ કરવાના અનુભવને વાગોળતા ખુર્શીદે કહ્યું કે 'તેમની સાથે કામ કરવાથી જરાય એમ ન લાગ્યું કે તેઓ વરિષ્ઠ છે. અમે એક ટીમની જેમ રહ્યાં. તેઓ અમારા કેપ્ટન હતાં. તેમણે ક્યારેય એમ મહેસૂસ ન થવા દીધુ કે તેઓ અમારા બધા કરતા વરિષ્ઠ છે.'
નોંધનીય છે કે નરસિંહ રાવ સરકાર અને વાજપેયીના પ્રયત્નોનું પરિણામ એ રહ્યું કે પ્રસ્તાવ પર મતદાનવાળા જે દેશોનું પાકિસ્તાનને સમર્થન મળવાની આશા હતી તેમણે પોતાના હાથ પાછા ખેંચી લીધા. ત્યારબાદ પાકિસ્તાને પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો અને ભારતની જીત થઈ.