કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓનાં `ભરપેટ` ઉપવાસથી વિવાદ: Photos થયા વાઇરલ
દલિતો સાથે થઇ રહેલી હિંસાનાં વિરોધમાં કોંગ્રેસે સોમવારે દેશવ્યાપી ઉપવાસ આંદોલન રાખ્યું: જો કે દિલ્હીમાં જ ઉપવાસ પહેલા પાર્ટીની ફજેતી થઇ
નવી દિલ્હી : દલિતો સાથે થઇ રહેલી હિંસાનાં વિરોધમાં કોંગ્રેસે સોમવારે દેશવ્યાપી પ્રતિક ઉપવાસ રાખ્યા હતા. તેનો હિસ્સો બનવા માટે કોંગ્રેસ અધ્યક્ષથી માંડીને પાર્ટીનાં ઘણા દિગ્ગજ નેતા રાજઘાટ પહોંચ્યા. જો કે આ દરમિયાન એક તસ્વીર સોશ્યલ મીડિયા પર આગની જેમ ફેલાઇ ગઇ છે. આ તસ્વીરમાં કોંગ્રેસનાં મોટા નેતા રાજઘાટ પર ઉપવાસ રાખતા પહેલા દિલ્હીનાં ચાંદની ચોક ખાતે એક રેસ્ટોરટન્ટમાં છોલે ભટુરેની દાવત ઉડાવતા જોવા મળ્યા હતા. ફોટોમાં અરવિંદ સિંહ લવલી, હારૂન યુસુફ અને અઝય માકન પણ જોવા મળ્યા હતા. તસ્વીર વાઇરલ થયા બાદ કોંગ્રેસ નેતા પોતાનાં બચાવમાં અલગ અલગ પ્રકારની સ્પષ્ટતા આપતા જોવા મળ્યા હતા. તેમણે ભાજપ પર સત્તા અંગે ધ્યાન નહી હોવાનો આરોપ લગાવ્યો.
ફોટોમાં દેખાઇ રહેલા નેતાઓમાંથી એક કોંગ્રેસ નેતા અરવિંદ સિંહ લવલી પણ હતા. જ્યારે તેમને તસ્વીર અંગે પુછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે, આ કોઇ અનિશ્ચિત ભુખ હડતાળ નહોતી, પરંતુ 10.30થી 4.30 વાગ્યા સુધી રાખવામાં આવનાર પ્રતિક ઉપવાસ છે. તસ્વીર સવારે 8 વાગ્યા પહેલાની છે. આગળ તેમણે ભાજપ પર હૂમલો કરતા કહ્યું કે, ભાજપ સાથે આ જ સમસ્યા છે. તે સરકાર કરતા તે વાતો પર ધ્યાન આપે છે કે અમે શું ખાઇએ છીએ શું પીઇએ છીએ અને શું કરીએ છીએ.
ભાજપનાં નેતાઓનાં રિએક્શન
કોંગ્રેસી નેતાઓની છોલે ભટુરે પાર્ટી અંગે ગિરિરાજ સિંહે કહ્યું કે, કોંગ્રેસનાં નેતાઓ ઉપવાસમાં પણ ગોટાળા કરે છે. બીજી તરફ હરીશ ખુરાનાએ કહ્યું કે, આ તસ્વીર કોંગ્રેસના ડબલ સ્ટાન્ડર્ડ દેખાડે છે. એક તરફ તે ઉપવાસની વાત કરે છે, બીજી તરફ તેની ખાવાની તસ્વીરો સામે આવી છે. આ તસ્વીર સંપુર્ણ સાચી છે. ધારાસભ્ય મંજિદર સિંહ સિરસાએ પણ ઘટના મુદ્દે કોંગ્રેસની આલોચના કરતા કહ્યું કે, માનસિકતા જ ખાવાની, તેઓ ભુખ્યા નથી રહી શકતા.
મંચ પરથી જગદીશ ટાઇટલર અને સજ્જન કુમારને હટાવાયા.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં રાજઘાટ પર આયોજીત ઉપવાસ કાર્યક્રમમાં પાર્ટીનાં નેતા જગદીશ ટાઇટલર અને સજ્જન કુમાર હિસ્સો લેવા માટે પહોંચ્યા હતા. જો કે તેને મંચ પરથી ઉતારી દેવામાં આવ્યા. મળતી માહિતી અનુસાર સજ્જન કુમારને સ્ટેજ પરથી ઉતારી દેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તે બંન્ને 1984નાં શીખ તોફાનોનાં આરોપીઓ છે. જેથી રાહુલની છબી ખરાબ ન થાય તે માટે તેમને મંચ પરથી ઉતારી દેવામાં આવ્યા હતા.