TRSને જંગી જીત મળતા તેલંગણામાં કોંગ્રેસે હારનું ઠીકરું EVM પર ફોડ્યું
તેલંગણા કોંગ્રેસ કમિટીના ઉત્તમ કુમાર રેડ્ડીએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, મને ઈવીએમ પર શંકા છે. તેથી અમે બેલેટ પેપરથી ઈલેક્શન કરાવવાની માંગ કરી રહ્યાં છે. મને લાગે છે કે, ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી છે. તેનાથી વીવીપેટમાંથી નીકળેલી ચિઠ્ઠીઓની ગણતરી કરાવવી જોઈએ.
નવી દિલ્હી : તેલંગણા વિધાનસભા ઈલેક્શન (Telangana elections 2018)ની સાથે સાથે આવેલા પાંચ રાજ્યોના વિધાનસભા ઈલેક્શનમાં કોંગ્રેસ ભલે સારું પ્રદર્શન કરી રહી હશે, પરંતુ તેમ છતા તેણે ઈવીએમનો મુદ્દો ઉછાળ્યો છે. ગત યુપી ઈલેક્શનમા ભાજપની જીત બાદ કોંગ્રેસે ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે હવે તેલંગણામાં પોતાની મરજી મુજબ પરિણામ ન આવતા ઈવીએમનો મુદ્દો ઉછાળ્યો છે. તેલંગણાના પરિણામોમાં ચંદ્રશેખર રાવને સ્પષ્ટ બહુમતી મળી છે. તેણે બધાના સૂપડા સાફ કરી દીધા છે. બધાના અનુમાનને પાછળ છોડીને TRS હાલ 87થી વધુ સીટ પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ તેલંગણામાં સરકાર બનાવવાનો દાવો કરી રહી હતી. પરંતુ અહીં તેને ખરાબ રીતે હારનો સામનો કરવો પડી રહ્યો હતો.
હવે તેલંગણા કોંગ્રેસ કમિટીના ઉત્તમ કુમાર રેડ્ડીએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, મને ઈવીએમ પર શંકા છે. તેથી અમે બેલેટ પેપરથી ઈલેક્શન કરાવવાની માંગ કરી રહ્યાં છે. મને લાગે છે કે, ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી છે. તેનાથી વીવીપેટમાંથી નીકળેલી ચિઠ્ઠીઓની ગણતરી કરાવવી જોઈએ.
તેલંગણામાં આ વખતે ઈલેક્શનમાં કોંગ્રેસે તેલુગુ દેશમ પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતુ. તેલુગુ દેશમ પાર્ટી અને બીજેપીનું ગઠબંધન હવે તૂટી ચૂક્યુ છે. આવામાં કોંગ્રેસને આશા હતી કે, અહીં તેને સફળતા મળી શકે છે. પરંતુ કોંગ્રેસ અને ટીડીપીનું ગઠબંધન સફળ ન નિવડ્યું. ટીઆરએસ આ ઈલેક્શનમાં ઔવેસી સાથે મળીને ઈલેક્શન લડી રહી છે.
ઉત્તમ કુમારે આ અંગે ચીફ ઈલેક્ટ્રોરલ ઓફિસરને લેખિત ફરિયાદ કરી કે, ઈવીએમ સાથે ચેડા થયા છે. તો બીજી તરફ, કોંગ્રેસે લગાવેલા આરોપ અંગે ટીઆરએસની સાંસદ કે.કવિથાએ કહ્યું કે, ઈવીએમ સાથે કોઈ ચેડા નથી થયા. ગઈકાલે સીઈસીની મીટિંગમાં પણ તેમણે કહ્યું કે, ઈવીએમ સાથે કોઈ ચેડા થયા નથી. લોકોએ ટીઆરએસને જીત અપાવી છે. કોંગ્રેસનો આરોપ ખોટો છે.