ગેનીબહેનની જીભ ફરી એકવાર લપસી કહ્યું, વાણીયાઓનાં કારણે ઠાકોરો રહ્યા પછાત
વાણીયાઓએ દુષ્કાળનાં સમયમાં ઠાકોરોને મદદનાં નામે જમીન મકાન લખાવી લીધા અને ત્યાર બાદ વ્યાજનાં વ્યાજ કરીને જમીનમકાન પડાવી લીધા
પાલનપુર : ધાનેરાનાં વાલેરા ગામે સભામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, ઠાકોરો વાણીયાઓનાં કારણે પછાત રહ્યા છે. દુષ્કાળનાં સમયે ઘર છોડવા દીધું નહોતું. ઉધાર આપી આપીને ઠાકારો પાસેથી જમીન લખાવી લેતા હતા. ત્યાર બાદ વ્યાજનાં વ્યાજ કરીને બધી જ જમીન જાગીર ઠાકોરો પાસેથી પડાવી લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધારેનામાં ઠાકોર સંમેલન યોજાયું હતું. જેમાં જાહેર સભાનું આયોજન કરાયું હતું જેમાં તમામ પક્ષોનાં ઠાકોર અગ્રણીઓ હાજર રહ્યા હતા. અલ્પેશ ઠાકોર, ગેની બહેન સહિતનાં ઠાકોર સમાજનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગેની બહેન સંમ્મેલનમાં ખેડૂતોનાં પ્રશ્ને સત્તાધીશો અને અધિકારીઓને મારી નાખવાની વાત કરીને અગાઉ પણ ચર્ચામાં રહ્યા હતા. ગેની બહેન તમામ ભાજપનાં લોકોને મારી નાખવાનાં વિવાદિત નિવેદન બાદ ભારે ચર્ચામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઠાકોર સમાજનાં સમ્મેલનમાં અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા. અલ્પેશને પાનો ચડાવતા ગેની બહેને કહ્યું કે, અલ્પેશ ઠાકોર સેનાનાં પ્રમુખ હોવાની સાથે સાથે રાધનપુરનાં ધારાસભ્ય પણ છે. જો તેઓ લોકસભાની ચૂંટણી લડશે તો એક બહેન તરીકે મારો તેમને સંપુર્ણ સહકાર રહેશે. તેમણે અલ્પેશને લોકસભાની ચૂંટણી લડવા માટે હાંકલ કરી હતી. સાથે સાથે સમાજનાં લોકોને પણ રાજકીય સક્રીય થવા માટે અપીલ કરી હતી.