VIDEO: પટણાના રસ્તાઓ પર જોવા મળ્યો કોંગ્રેસનો જાતિવાદ, રાહુલ ગાંધીને ગણાવ્યાં બ્રાહ્મણ
કહેવાય છે કે યુપી અને બિહારમાં સત્તા મેળવવા માટે પાર્ટીઓ ધર્મ અને જાતિગત સમીકરણો પર ખુબ ભાર મૂકે છે.
નવી દિલ્હી: કહેવાય છે કે યુપી અને બિહારમાં સત્તા મેળવવા માટે પાર્ટીઓ ધર્મ અને જાતિગત સમીકરણો પર ખુબ ભાર મૂકે છે. આ વાત સાબિત કરતું એક પોસ્ટર સામે આવ્યું છે. હકીકતમાં બિહારના પટણામાં કોંગ્રેસ પાર્ટીના એક પોસ્ટરમાં તમામ નેતાઓના ફોટા સાથે જાતિ પણ જણાવવામાં આવી છે. પટણાના ઈન્કમ ટેક્સ ચાર રસ્તા પર લાગેલા આ પોસ્ટરમાં નેતાઓના ધર્મ અને જાતિ લખવામાં આવ્યાં છે. આ પોસ્ટર કોંગ્રેસની નવી ચૂંટાયેલી પ્રદેશ કમિટીના નિયુક્ત થયેલા પદાધિકારીઓનું છે.
આ પોસ્ટરમાં કાયદેસર રીતે કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓની તસવીરો સાથે જાતિ/સમુદાય લખવામાં આવ્યાં છે. પોસ્ટરમાં રાહુલ ગાંધીની તસવીર પર બ્રાહ્મણ સમુદાય લખેલુ છે. જ્યારે અલ્પેશ ઠાકોરની તસવીર પર પછાત સમુદાય, શક્તિસિંહ ગોહિલના ફોટા પર રાજપૂત સમુદાય લખવામાં આવ્યું છે.અત્રે જણાવવાનું કે હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અમેઠી પ્રવાસ વખતે તેમના સ્વાગતમાં લાગેલા પોસ્ટરોમાં રાહુલને મહાન શિવભક્ત ગણાવવામાં આવ્યાં હતાં.
નોંધનીય છે કે રાહુલ ગાંધીને લઈને કોંગ્રેસના નેતાઓએ પહેલા પણ અનેક નિવેદનોમાં તેમની જાતિ જાહેર કરી હતી. કોંગ્રેસના નેતાઓમાં રાહુલને બ્રાહ્મણ સાબિત કરવા માટે હોડ મચી હતી.