રાહુલ ગાંધીએ શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી, 9 સભ્યોની કોર કમિટીની રચના
લોકસભા ચૂંટણી 2019ના મુદ્દે કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે, જેના પગલે વિવિધ સંગઠનોમાં ફેરફાર ચાલુ કરાયા
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019ના મુદ્દે કોંગ્રેસે પણ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. કોંગ્રેસે જનાધારને મજબુત કરવા માટે જમીની સ્તર પર કામ ચાલુ કરી દીધું છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે લંડનમાં એક કાર્યક્રમ દરમિયાન દાવો કર્યો કે કોંગ્રેસ 2019ની લોકસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપની તુલના માટે એત શક્તિશાળી ગઠબંધન બનાવીને જીત પ્રાપ્ત કરશે.
બીજી તરફ કોંગ્રેસની તરફથી એક નિવેદન ઇશ્યું કરીને માહિતી આપવામાં આવી છે કે, રાહુલ ગાંધીએ આગામી લોકસભા ચૂંટણી માટે નવ સભ્યોની કોર ગ્રુપ સમિતી, 19 સભ્યોની ઘોષણાપત્ર સમિતી અને 13 સભ્યોની પ્રચાર સમિતીની રચના કરાઇ છે.
વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓને મળ્યું સમિતીમાં સ્થાન
પાર્ટીના સંગઠન મહાસચિવ અશોક ગહલોતની તરફથી અપાયેલા નિવેદન અનુસાર નવ સભ્યોનાં કોર ગ્રુપ સમિતીમાં એન્ટી, ગુલામ નબી આઝાદ, પી ચિદમ્બરમ, અશોક ગહલોત, મલ્લિકાર્જુન ખડગે, અહેમદ પટેલ, જયરામ રમેશ, રણદીપ સુરજેવાલ અને કેસી વેણુગોપાલનો સમાવેશ થાય છે.
ઘોષણાપત્ર સમિતીમાં ચિદમ્બરમ સહિત ઘણા નેતા
ઘોષણાપત્ર સમિતીમાં પી.ચિદમ્બરમ, મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુષ્મિતા દેવ, હરિયાણાના પુર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને જયરામ રમેશ સહિત 19 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસની પ્રચાર સમિતીમાં ભક્ત ચરણદાસ, મિલિંદ દેવડા, રણદીપ સુરજેવાલા અને મનીષ તિવારી સહિત 13 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યા છે.
રાહુલે વિદેશમાં આરએસએસ પર શાબ્દિક પ્રહારો કર્યા
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ શુક્રવારે લંડનમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ની તુલના સુન્ની ઇસ્લામી સંગઠન મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી. તેમણે કહ્યું કે, આરએસએસ ભારતના દરેક સંસ્થાન પર કબ્જો કરવા ઇચ્છે છે અને દેશના સ્વરૂપને જ બદલવા માંગે છે. રાહુલ ગાંધીએ લંડનમાં ઇન્ટરનેશનલ ઇસ્ટીટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (આઇઆઇએસએસ)ના કાર્યક્રમમાં કહ્યું કે, અમે એક સંગઠન સાથે સંઘર્ષ કરી રહ્યા છે, જેનું નામ આરએસએસ છે જે ભારતના મુળ સ્વરૂપ (નેચર ઓફ ઇન્ડિયા)ને બદલવા માંગે છે. ભારતમાં એવું બીજુ કોઇ સંગઠન નથી જે દેશની સંસ્થાઓ પર કબ્જો જમાવવા માંગતું હોય.