નવી દિલ્હી : ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ દ્વારા રાફેલ ડીલ પર નવો ખુલાસો કરવામાં આવ્યા બાદથી કોંગ્રેસ આક્રમક બની ચુકી છે. આ ડીલમાં અનિલ અંબાણીની એન્ટ્રી મુદ્દે કુલાસો થવા અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સૌથી મોટો હૂમલો કર્યો છે. તેમણે કહ્યું કે, રાફેલ ડીલ અંગે વડાપ્રધાને દેશને ગુમરાહ કર્યો છે. તેમણે બંધ દરવાજે અંગત રીતે દખલ કરીને રાફેલ ડીલ કરાવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, વડાપ્રધાને બંધ બારણે અંગત રીતે રાફેલ સોદા પર વાત કરી અને તેમાં પરિવર્તન કર્યું. ફ્રાંસ્વા ઓલાંદનો આભાર, હવે અમે જાણીએ છીએ કે તેમણે (મોદીએ) દેવાળીયા અનિલ અંબાણી માટે અબજો ડોલર્સની ડીલ કરાવી. વડાપ્રધાને દેશ સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે અમારા સૈનિકોની શહાદતનું અપમાન કર્યું છે. 

સમગ્ર વિવાદ ફ્રેંચ ન્યૂઝ વેબસાઇટ મીડિયાપાર્ટમાં શુક્રવારે છપાયેલા લેખ બાદ આવ્યો. ફ્રેંચ ભાષામાં છપાયેલા આ લેખમાં ફ્રાંસના પુર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના હવાલાથી કહેવામાં આવ્યું કે, અનિલ અંબાણીની કંપની રિલાયન્સની સાથે કરાર કરવામાં ફ્રાંસ સરકારની કોઇ જ ભુમિકા નહોતી. રાફેલ ડીલ માટે ભારત સરકારે અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીનું નામ પ્રસ્તાવિત કર્યું હતું. જેથી દસો એવિએશન કંપની પાસે અન્ય કોઇ જ વિકલ્પ નહોતો. 

ઉપરાંત કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ આ લેખ રીટ્વીટ કરતા ઓલાંદને રાફેલ ડીલની કિંમત જણાવવાનો આગ્રહ કર્યો છે. તેમણે ઓલાંદને કહ્યું કે, તમે તે પણ જણાવો કે રાફેલની વર્ષ 2012માં 590 કરોડ રૂપિયાની કિંમત વર્ષ 2015માં 1690 કરોડ રૂપિયા કઇ રીતે થઇ ગઇ ? આશરે 1100 કરોડ રૂપિયાનો વધારો. હું જાણુ છું કે યૂરોનાં કારણે આ કેલકુલેશનની સમસ્યા નથી.