આ વખતે 3 બેઠકો પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે રાહુલ ગાંધી?
આ વર્ષે થનારી લોકસભા ચૂંટણીના કારણે દરેક પક્ષે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બધા વચ્ચે એવી ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી સહિત 3 લોકસભા બેઠકોથી ચૂંટણી લડી શકે છે.
મુંબઈ: આ વર્ષે થનારી લોકસભા ચૂંટણીના કારણે દરેક પક્ષે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બધા વચ્ચે એવી ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી સહિત 3 લોકસભા બેઠકોથી ચૂંટણી લડી શકે છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણના ગૃહ કસ્બા નાંદેડની સાથે સાથે મધ્ય પ્રદેશની પણ કોઈ સુરક્ષિત બેઠક પરથી તેઓ ચૂંટણી લડે તેવી ચર્ચા છે.
રાહુલ ગાંધી નાંદેડથી ચૂંટણી લડી શકે તેવી ચર્ચાઓ પર અશોક ચૌહાણે જે નિવેદન આપ્યું તેનાથી ચર્ચાને વેગ મળ્યો છે. એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત દરમિયાન ચૌહાણે કહ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ છે. તેઓ કોઈ પણ લોકસભા બેઠકથી સફળતાપૂર્વક ચૂંટણી લડી શકે છે. જો તેઓ નાંદેડથી ચૂંટણી લડવા માંગતા હોય તો તેમનું ખુબ સ્વાગત છે.
અત્રે જણાવવાનું કે 2014ની લોકસભા ચૂંટણી વખતે ચૌહાણ નાંદેડ બેઠકથી ચૂંટાઈ આવ્યાં હતાં. એક મહિના પહેલા જ્યારે ચૌહાણે પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી ત્યારે તેમણે કાર્યકર્તાઓને રાજ્યમાં આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પર ફોકસ કરવાની અપીલ કરી હતી. જેથી કરીને તેઓ મુખ્યમંત્રી પદની રેસમાં પ્રમુખ દાવેદાર બની શકે.
અમેઠીથી ત્રીજીવાર સાંસદ તરીકે ચૂંટાયેલા છે રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ માર્ચ 2004માં રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી હતી. તેઓ સતત ત્રણ વાર ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠકથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં છે. પહેલીવાર 2004માં ચૂંટાયા હતાં. ત્યારબાદ 2009ની ચૂંટણી પણ તેમણે અમેઠીથી જીતી હતી. અને 2014માં લોકસભા ચૂંટણીમાં મોદીલહેર વચ્ચે પણ ભાજપના સ્મૃતિ ઈરાનીને હરાવીને સાંસદ તરીકે ચૂંટાયા હતાં.
2014માં સ્મૃતિ ઈરાની અને રાહુલ ગાંધી વચ્ચે હતી જબરદસ્ત ટક્કર
અગાઉની લોકસભા ચૂંટણી વખતે રાહુલે પોતાના હરિફોને 3લાખ કે તેથી વધુ મતોથી માત આપી હતી. 2004માં તેઓ 2લાખ 90હજાર મતોથી જીત્યા હતાં. જો કે 2014માંમાં સ્મૃતિ ઈરાનીએ જબરદસ્ત ટક્કર આપી હતી. રાહુલની જીતનું અંતર ઘટીને 1 લાખ 7 હજાર મતો પર પહોંચ્યું હતું. કહેવાય છે કે આ વખતે પણ સ્મૃતિ ઈરાની અમેઠીથી જ ચૂંટણી લડી શકે છે અને તેઓ સતત ત્યાંની મુલાકાત લઈ રહ્યાં છે.