રાફેલ ડીલ: સરકારને ઘેરવા માટે આજે HALના કર્મચારીઓને મળશે રાહુલ ગાંધી, કેન્ડલ માર્ચ કાઢશે
રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવીને સતત કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બેંગ્લુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના કર્મચારીઓ સાથે મુલાકાત કરશે.
નવી દિલ્હી: રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવીને સતત કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બેંગ્લુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના કર્મચારીઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન રાહુલ ગાંધી આ કર્મચારીઓ સાથે સંવાદ કરશે. સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ HALના કર્મચારીઓ સાથે સાડા ત્રણ વાગ્યે મુલાકાત કરવાના છે. કહેવાય છે કે કોંગ્રેસ અધ્યક્ષ આ દરમિયાન કેન્ડલ માર્ચ પણ કાઢશે.
આ અંગે પૂછવા પર કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા એસ જયપાલ રેડ્ડીએ બુધવારે કહ્યું કે "HAL સૌથી મોટો શિકાર એટલા માટે બન્યું છે કારણ કે HALના 10,000 કર્મચારીઓની નોકરી જવાની છે. રાફેલ ડીલ મળવાથી 10,000 નવી નોકરીઓ પેદા થવાની હતી પરંતુ હવે હાલની નોકરીઓ પણ ખતમ થઈ રહી છે."
તેમણે કહ્યું કે જો અમારા સમયે કરવામાં આવેલો કરાર આગળ વધારવામાં આવત તો 18 વિમાન ખરીદાત અને બાકીના હિન્દુસ્તાનમાં જ બનત તો આપણી વિનિર્માણ ક્ષમતા વધત. આ જ કારણ છે કે રાહુલ ગાંધી HAL જઈ રહ્યાં છે. હકીકતમાં કોંગ્રેસનો આરોપ છે કે વડાપ્રધાન મોદીએ ફ્રાન્સની સરકાર સાથે 36 ફાઈટર વિમાન ખરીદવાની જે ડીલ કરી હતી તેનું મૂલ્ય યુપીએ સરકારના સમયમાં કરવામાં આવેલી ડીલ કરતા વધુ છે.
આ જ કારણે સરકારી ખજાનાને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. પાર્ટીનો દાવો છે કે વડાપ્રધાન મોદીએ આ ડીલને બદલાવી નાખી અને કોન્ટ્રાક્ટ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી લઈને રિલાયન્સ ડિફેન્સને આપ્યો. અત્રે જણાવવાનું કે ભાજપે શુક્રવારે એમ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ વિમાન ડીલ અંગે સતત ખોટું બોલી રહ્યાં છે. પરંતુ તેમને એ ખબર હોવી જોઈએ કે દેશની સવા સો કરોડ જનતાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સંપૂર્ણ ભરોસો છે અને કોંગ્રેસ ગમે તેટલી કોશિશ કરે તો પણ તે ડગી શકે તેમ નથી.
રાફેલ વિમાન ડીલને લઈને ભાજપ દ્વારા રાહુલ ગાંધી પર ખોટું બોલવાનો આરોપ લગાવવા મુદ્દે પલટવાર કરતા કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે સત્તારૂઢ પાર્ટીએ રાહુલ ગાંધી માટે વિશેષણ કરવાની જગ્યાએ રાફેલ મામલે તથ્યોના આધારે જવાબ આપવા જોઈએ.