નવી દિલ્હી: તેલંગણાના કાર્યવાહક મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ દ્વારા રાહુલ ગાંધીને સૌથી મોટા વિદૂષક કહેવામાં આવતા કોંગ્રેસે ગુરુવારે પલટવાર કર્યો છે અને કહ્યું કે તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના પ્રમુખ આધુનિક યુગના 'મોહમ્મદ બિન તુગલક' છે અને 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કઠપૂતળી' છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ એવો પણ આરોપ લગાવ્યો કે રાવે તેલંગણાની જનતા સાથે 'વિશ્વાસઘાત' કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે ચંદ્રશેખર રાવ આધુનિક યુગના મોહમ્મદ બિન તુગલક છે. તેઓ ભાજપ અને વડાપ્રધાનની કઠપૂતળી છે. તેઓ તેવા લોકો સાથે ઊભા છે જેમણે તેલંગણાના ગઠનનો વિરોધ કર્યો અને તેલંગણાના લોકોને આપવામાં આવેલા વચનો પૂરા કર્યા નહીં. રાવે રાજ્ય સાથે વિશ્વાસઘાત કર્યો છે. 


વાત જાણે એમ છે કે તેલંગણા વિધાનસભાને સમય પહેલા ભંગની જાહેરાત બાદ રાવે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. રાવે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટવા અને આંખ મારવાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે 'રાહુલ ગાંધી આ દેશના સૌથી મોટા વિદૂષક છે.' 


રાવે કરી 105 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત
તેલંગણા વિધાનસભાને ભંગ કરવાની ભલામણ બાદ ટીઆરએસ પ્રમુખ કે ચંદ્રશેખર રાવે ગુરુવારે 105 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નાખી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધીને સૌથી મોટા જોકર ગણાવ્યાં. 


રાવને કાર્યવાહક મુખ્યમંત્રીના પદ પર બની રહેવા જણાવવામાં આવ્યું છે. રાવે એ દાવો પણ કર્યો છે કે ચૂંટણી પંચનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેલંગણામાં ચૂંટણી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમ સાથે કરાવવામાં આવશે. 


રાવે કોંગ્રેસને તેલંગણાના 'સૌથી મોટા દુશ્મન' તરીકે જાહેર કરી છે અને ટીઆરએસ સરકાર વિરુદ્ધ આધારવીહિન અને અર્થવિહીન આરોપ  લગાવવા બદલ ટીકા પણ કરી. તેમણે કહ્યું કે 'કોંગ્રેસ તેલંગણાની ખલનાયક નંબર વન' છે. તેમણે જો કે ભાજપની કોઈ ટીકા કરી નથી.


(ઈનપુટ-ભાષા)