BSP-SP અને કોંગ્રેસ રાજનીતિક સ્વાર્થ માટે હિંસા કરાવી રહ્યા છે: ભાજપ
રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભાજપમાં જ સૌથી વધારે દલિત સાસદો અને ધારાસભ્યો છે, દલિતોનો ભાજપમાં વિશ્વાસ વધી રહ્યો છે
નવી દિલ્હી : બે એપ્રીલે બે દલિત સંગઠનો દ્વારા આહ્વાહીત ભારત બંધ દરમિયાન ભડકેલી હિંસા અંગે ભાજપે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ, બસપા અને સપાએ મળીને આ આંદોલનને હિંસક બનાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી તતથા ભાજપનાં વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, કેટલાક નેતાઓ હિંસાનું સમર્થન કરવા માટે દેશનાં શાંતિપુર્ણ વાતાવરણને હિંસક બનાવવા માટેનું કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાજનીતિક સ્વાર્થ માટે હિંસા કરાવવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે એસસી/એસટી એક્ટમાં કેટલાક સંશોધન કરતા પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે આ ચુકાદાની વિરુદ્ધ દલિત સંગઠનોએ 2 એપ્રીલે ભારત બંધનું આહ્વાન કર્યું હતું. કોર્ટે આ નિર્ણયની વિરુદ્ધ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ભારે હિંસા થઇ હતી. આ હિંસામાં 9 લોકોનાં મોત નિપજ્યા હતા અને મોટા પ્રમાણમાં લોકો ઘાયલ થયા હતા.
ભારત બંધ બાદ રાજનીતિમાં તોફાન
આ હિંસા બાદ દેશની રાજનીતિમાં તોફાન પેદા થઇ ગયું છે. તમામ દળ એક બીજાને હિંસા માટે દોષી ઠેરવી રહ્યા છે. બસપા પ્રમુખ માયાવતીએ આરોપ લગાવ્યો કે ભાજપ રાજમાં દલિતોનું ઉત્પીડન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ભારત બંધ દરમિયાન હિંસા ભાજપ અને સંઘનાં લોકો દ્વારા કરાવવામાં આવી હતી, આ વાતનાં પાક્કા પુરાવા પણ છે, જો કે પોલીસ દલિતોને જેલમાંપુરી રહી છે. કોંગ્રેસ અને સપાએ પણ ભાજપને હિંસા માટે જવાબદાર ઠેરવ્યા હતા.
સૌથી વધારે દલિત નેતાઓ ભાજપમાં
આ અંગે ભાજપે વળતો હૂમલો કરતા કહ્યું કે, તમામ વિપક્ષી દળ ભાજપની વિરુદ્ધ વાતાવરણ બનાવવા માટેનું કામ કરી રહ્યા છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભાજપમાં જ સૌથી વધારે દલિત સાંસદો અને ધારાસભ્યો છે. દલિતોનો ભાજપમાં વિશ્વાસ વધી રહ્યો છે, જેનાં કારણે દલિત નેતાઓને અપચો થઇ રહ્યો છે. એટલા માટે દલિતોનું નામ લઇને વાતાવરણ બગાડવા માટેનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.