જબલપુર:  શહેરમાં શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રોડ શો દરમિયાન બલુનમાં થયેલા વિસ્ફોટ પર મધ્ય પ્રદેશ પોલીસે આજે કહ્યું કે રાહુલ ગાંધીની સુરક્ષામાં કોઈ ચૂક થઈ નથી. પોલીસે જણાવ્યું કે આ મામલે હાલ કોઈની ધરપકડ થઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ હતી કે શનિવારે રોડ શો દરમિયાન હીલિયમથી ભરેલા બલુન્સે આરતીની થાળીમાં રાખવામા આવેલા દીવાથી અચાનક આગ પકડી લીધી હતી. જેના કારણે આગનો ભડકો થયો. આ ભડકાથી 15 ફૂટ દૂર રથ પર સવાર રાહુલ અને કોંગ્રેસના અન્ય નેતાઓ ચોંકી ગયા હતાં. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો અને હવે કેટલીકચેનલ તેને રાહુલની સુરક્ષામાં ચૂક ગણાવી રહ્યાં છે. 


આ મામલે જબલપુરના એસપી અમિત સિંહે જણાવ્યું કે "રાહુલની સુરક્ષામાં કોઈ ચૂક થઈ નથી." જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે શું બલુન્સમાં ગઈ કાલે લાગેલી આગ મામલે કોઈની ધરપકડ થઈ છે ખરા તો તેમણે કહ્યું કે આ કોઈ આતંકવાદી જૂથ તો છે નહીં કે જેમની ધરપકડ થાય. 


સિંહે કહ્યું કે "કોડીલાલ છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસના કાર્યકર્તા છે અને પાર્ટીથી વિધાનસભા માટે ટિકિટ માંગી રહ્યાં છે. તેમની પત્ની જબલપુરના ભેડાઘાટની બ્લોક અધ્યક્ષ છે. તેઓ રાહુલ ગાંધીની આરતી કરાવવા માંગતા હતાં અને તેમની સાથે તિરંગી બલુન્સ પણ હતાં. આ દરમિયાન આરતીની થાળીના દીવાથી બલુન્સમાં અચાનક આગ લાગી ગઈ અને આગનો ભડકો થયો હતો." 


સિંહે કહ્યું કે "રાહુલના રથથી 15 ફૂટ દૂર પર તેઓ (કૌડીલાલ) આરતી કરી રહ્યાં હતાં. અને બ્લ્યુ બૂકમાં ક્યાં એવું લખ્યું છે કે જ્યારે એસપીજી સુરક્ષા હશે, તો અમે બલુન્સની મંજૂરી નહીં આપીએ. એવું ક્યાં લખ્યું છે કે આરતીની મંજૂરી નહીં હોય." તેમણે કહ્યું કે કોડીલાલ હાલમાં પંચાયત સભ્ય છે અને નવા ભેડાઘાટમાં રહે છે. 


સિંહે જણાવ્યું કે "બલુન્સમાં હીલિયમ ભરેલો છે તો ચોક્કસપણે આગ લાગશે. આગનો ભડકો થશે જ." તેમણે કહ્યું કે "ચૂક ત્યારે થાત જ્યારે એસપીજી અને અમારા લેયરમાં તેઓ ઘૂસી ગયા હોય. તે તો અમારા લેયરની બહાર 15 ફૂટના અંતરે જ ઘટના ઘટી રહી હતી જેમાં કોઈ પણ વ્યક્તિ સુદ્ધા ઘાયલ થયો નથી, કોઈનો વાળ પણ વાંકો થયો નથી. નિશ્ચિતપણે આગનો ભડાકો થયો હતો." 


તેમણે કહ્યું કે "ચૂક હોત તો કોંગ્રેસના લોકોએ હજુ સુધી કેમ નિવેદન આપ્યું નથી. જિલ્લા કોંગ્રેસ અને બ્લોક કોંગ્રેસના લોકોએ સવાલ કેમ ઉઠાવ્યો નથી. સવાલ ઉઠાવે તો હું જવાબ આપું."