શાદાબ સિદ્દીકી, નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં મોટો ફેસલો લેતા કૈરાના લોકસભા અને નૂરપુર વિધાનસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી, RLD ગઠબંધનને પોતાનું સમર્થન આપવાનો ફેસલો લીધો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ પાર્ટીમાં નક્કી થઈ ગયું છે કે કોંગ્રેસના સિમ્બોલ પર આ બંને બેઠકો પર કોઈ ઉમેદવાર ચૂંટણી લડશે નહીં પરંતુ પાર્ટી અહીં સમાજવાદી અને આરએલડી ઉમેદવારને પોતાનું સમર્થન આપશે. નોંધનીય છે કે કૈરાના લોકસભા પર સમાજવાદી પાર્ટી આરએલડીમાંથી તબસ્સુમ હસન ઉમેદવાર છે. અત્રે જણાવવાનું કે તબસ્સુમ હસન કૈરાના લોકસભા બેઠક પરથી 2009માં ચૂંટણી જીતી હતી પરંતુ તેઓ 2014માં લોકસભા ચૂંટણી હાર્યા હતાં. આ વખતે ચૌધરી અજીત સિંહની આરએલડીના સિંમ્બોલ પરથી તે ચૂંટણી લડી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૈરાનાની લોકસભા બેઠક માટે છેડાઈ રાજકીય જંગ
કહેવાય છે કે અખિલેશ યાદવે જ તેમનું નામ અજીત સિંહને સૂચવ્યું હતું અને અખિલેશ યાદવ અને જયંત સિંહની બેઠકમાં તબસ્સુમ હસનને ઉમેદવાર બનાવવામાં આવ્યાં હતાં. જ્યારે ભાજપ તરફથી કૈરાના લોકસભા બેઠક માટે હુકુમ સિંહની પુત્રી મૃગાંકા સિંહ ઉમેદવાર છે. હકીકતમાં હુકુમ સિંહનું ગત દિવસોમાં લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તેમના નિધન બાદથી કૈરાના બેઠક ખાલી થઈ ગઈ હતી.


નૂરપુરમાં ભાજપે ખેલ્યુ છે ઈમોશનલ કાર્ડ
બીજી બાજુ નૂરપુર વિધાનસભા બેઠક માટે સમાજવાદી પાર્ટીએ નઈમુલ હસનને પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. નઈમુલ હસનને કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાનું સમર્થન જાહેર કર્યુ છે. આ બેઠક ભાજપના ધારાસભ્ય લોકેન્દ્ર સિંહના નિધન બાદ ખાલી થઈ હતી. અહીંથી ભાજપે ધારાસભ્યના પત્નીને ઉમેદવાર બનાવ્યાં છે. ભાજપ અહીં ઈમોશનલ કાર્ડ ખેલી રહી છે.


કોંગ્રેસે કરી હતી મોટી ભૂલ
આ પ્રકારે કોંગ્રેસ પાર્ટીએ કૈરાના લોકસભા અને નૂરપુર વિધાનસભા બેઠક પર સમાજવાદી અને આરએલડીને પોતાનું સમર્થન આપીને તે ભૂલથી બચવાની કોશિશ કરી છે જે તેણે ગોરખપુર લોકસભા અને ફૂલપુર લોકસભા ચૂંટણી લડીને કરી હતી. સૂત્રોનું માનીએ તો સપામાં અનેક વરિષ્ઠ નેતાઓને કોંગ્રેસનું આ પગલું યોગ્ય લાગ્યું ન હતું અને તેમણે અખિલેશને આ અંગે ફરિયાદ પણ કરી હતી.


આ છે કોંગ્રેસનો આગામી પ્લાન
અહીં યાદ અપાવવાનું કે થોડા સમય પહેલા ગોરખપુર અને ફૂલપુર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડિપોઝીટ પણ બચાવી શક્યા નહતાં. સપા-બસપા ગઠબંધન વિરુદ્ધ ચૂંટણીમાં પોતાના ઉમેદવારને લડાવવા બદલ કોંગ્રેસની ખુબ આલોચના થઈ હતી. આ વખતે કોંગ્રેસે બહુ સાવધાનીપૂર્વક ડગ ભર્યુ છે. જેથી કરીને ભાજપ વિરુદ્ધ એક વ્યાપક ધર્મનિરપેક્ષ મોરચો તૈયાર કરી શકાય. કોંગ્રેસ અહીં એ બતાવવાની કોશિશ કરી રહી છે કે તે ધર્મનિરપેક્ષ મોરચાના રસ્તામાં પથ્થર બનશે નહીં.