ભારતમાં સતત ઘટ્યું કોરોનાનું સંક્રમણ, 179 દિવસ બાદ સક્રિય કેસની સંખ્યા માત્ર આટલી
છેલ્લા 35 દિવસથી દૈનિક નવા નોંધાતા કેસની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેવાથી સક્રિય કેસોના ભારણમાં એકધારો ઘટાડો નોંધાયો છે.
નવી દિલ્હી: ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યામાં એકધારા ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. તેના કારણે આજે સક્રિય કેસની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં ઘટીને 2.54 લાખ (2,54,254) થઇ ગઇ છે. આ 179 દિવસમાં સૌથી ઓછી સંખ્યા છે. અગાઉ, 6 જુલાઇના રોજ સક્રિય કેસની સંખ્યા 2,53,287 હતી. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી હાલમાં સક્રિય કેસોનું ભારણ માત્ર 2.47% છે.
ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી દૈનિક ધોરણે નવા નોંધાતા કેસની સંખ્યા લગભગ 20,000ની આસપાસ રહે છે. છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા કેસની સંખ્યા 20,035 નોંધાઇ છે જ્યારે આટલા જ સમયમાં નવા સાજા થયેલા કેસની સંખ્યા 23,181 રહી છે. છેલ્લા 35 દિવસથી દૈનિક નવા નોંધાતા કેસની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેવાથી સક્રિય કેસોના ભારણમાં એકધારો ઘટાડો નોંધાયો છે.
કુલ સાજા થયેલા કેસની સંખ્યા લગભગ 99 લાખ (98,83,461) થઇ ગઇ છે. સાજા થયેલા અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે અને આજે આ તફાવત વધીને 96 લાખનો આંકડો વટાવીને 96,29,207 થઇ ગયો છે.
નવા નોંધાઇ રહેલા દર્દીઓ કરતાં નવા સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધારે રહેવાથી સાજા થવાના દરમાં પણ સુધારો થઇ રહ્યો છે જે આજે વધીને 96.08% નોંધાયો હતો.નવા સાજા થયેલા દર્દીઓમાંથી 77.61% કેસ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.
કેરળમાં એક દિવસમાં સૌથી વધારે 5,376 નવા દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે જ્યારે તે પછીના ક્રમે આવતા મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં એક દિવસમાં અનુક્રમે 3,612 અને 1,537 દર્દીઓ સાજા થઇ ગયા છે. નવા સંક્રમિત થયેલા કેસોમાંથી 80.19% નવા દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.
કેરળમાં એક દિવસમાં સૌથી વધુ નવા 5,215 કેસ પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે. ત્યારપછીના ક્રમે, 3,509 નવા કેસ સાથે મહારાષ્ટ્ર છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 256 દર્દીઓના મૃત્યુ નીપજ્યાં હોવાનું નોંધાયું છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 80.47% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ (58) મૃત્યુ નોંધાયા છે. કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક દિવસમાં અનુક્રમે 30 અને 29 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
છેલ્લા 7 દિવસથી સળંગ દૈનિક મૃત્યુઆંક 300થી ઓછો નોંધાઇ રહ્યો છે. આના કારણે મૃત્યુદરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે જે હાલમાં 1.45% છે. દેશમાં કુલ મૃત્યુમાંથી 63% દર્દીઓ પાંચ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં મૃત્યુ પામ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube